નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશના વિવિધ ભાગમાં બે હજાર ડ્રાઈવિંગ તાલીમ શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, આ તાલીમ શાળા દેશના પછાત અને આદિવાસી વિસ્તારોમાં શરૂ કરાશે. તેનાથી યુવાનો માટે રોજગારની તકનું સર્જન થશે. ગડકરીએ કહ્યું, દેશમાં અંદાજે 22 લાખ ડ્રાઈવરની અછત છે અને આ તાલીમ શાળા કુશળ ડ્રાઈવરની અછત પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. ગડકરીએ ઉમેર્યું, તેમના મંત્રાલયે માર્ગ દુર્ઘટનાને ઘટાડવા અનેક પગલા ઉઠાવ્યા છે. તેમણે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પણ આહ્વાન કર્યું.


