ઊના, 28 એપ્રિલ 2026: A 4-year-old girl was attacked and killed by a lioness તાલુકાના ડમાસા ગામમાં સોમવારની સાંજે એક શ્રમિક પરિવારની બાળકી પર એક સિંહણે અચાનક હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. આશરે ચાર વર્ષની નિર્દોષ બાળકીનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોક સાથે ભયનો માહોલ પણ ફેલાયો છે.
આ બનાવની વિગત એવી છે કે, ઊના તાલુકાના ડમાસા ગામની વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જીવાભાઈ પામકની પુત્રી હેમાંશી પોતાની માતા સાથે ઘરની ઓસરીમાં બેઠી હતી. તે દરમિયાન માતા સવિતા બેન પોતાના નાના પુત્રને તાવની દવા આપી રહી હતી. એ જ સમયે ઘરની ઓસરીમાં અચાનક સિંહણ ત્રાટકી હતી. અને પળવારમાં બાળકી પર હુમલો કરી તેને ખેંચી લઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ દેકારો મચાવી શોધખોળ હાથ ધરી હતી. લોકોના અવાજથી સિંહણ બાજુના ખેતરમાંથી દૂર ભાગી ગઈ અને બાળકીનો મૃતદેહ ત્યાં જ 400 મીટર દૂર ઘરની સામેના ભાગે મળી આવ્યો હતો, જેને જોઈ ગામમાં શોક સાથે ભયની લાગણી છવાઈ ગઈ હતી. ગામમાં સિંહણે બાળકી પર હુમલો કરી મોત નિપજાવ્યાની ઘટનાની જાણ કર્યા બાદ પણ વન વિભાગની ટીમ ઘટના સ્થળે મોડેથી પહોંચી હતી, જેના કારણે સ્થાનિકોમાં નારાજગી વધુ વધી હતી.
વન વિભાગના સ્ટાફ અને સ્થાનિકોએ મળીને બાળકીના મૃતદેહને ઝોળીમાં મૂકી દૂર સુધી પગપાળા વાહન સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. અને બાળકી પર હુમલો કરી મોત નિપજાવનાર સિંહણ 4 કલાક બાદ પાંજરે પુરાઈ છે. નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ અને મદદનીશ વન સંરક્ષક કપિલ ભાટિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જસાઘાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.સી.ચૌહાણ તાત્કાલિક અલગ અલગ 5 ટીમ બનાવી ને સંપૂર્ણ વિસ્તારમા સર્ચ ઓપરેશન કરીને વેટરનરી ડોકટર પિયુષ માળવીને સાથે રાખીને 4 કલાકમા સિંહણને પીંજરામાં પુરવામાં સફળતા મળી હતી. સિંહણને જસાઘાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવી છે.


