કલોલ, 3 જુન, 2026 : Woman biker dies after being hit by truck અમદાવાદ-મહેસાણા હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. કલોલમાં અંબિકા બસ સ્ટેન્ડ નજીક આજે રિક્ષાએ પેસેન્જર લેવા માટે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા બાઈકચાલકે પણ બ્રેક મારતા બાઈક સ્લીપ થતાં બાઈકસવાર મહિલા રોડ પર પટકાઈ હતી તે દરમિયાન પાછળ આવી રહેલા ટ્રકના તોતિંગ ટાયર મહિલા પર ફરી વળ્યા હતા. બાઈકસવાર મહિલાનું ટ્રક નીચે આવી જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. આ બનાવથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. કલોલમાં હાઈવે પર બ્રિજ ઉતરતા રોડની બન્ને સાઈડ પર વહેલી સવારથી જ પેસેન્જર રિક્ષાઓ, ઈકો વાહનો અને ખાનગી વાહનોના લીધે ટ્રાફિક જામની સમસ્યા સાથે અકસ્માતના બનાવો બની રહ્યા છે. છતાંયે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.
આ બનાવની વિગત એવી છે કે, કલોલમાં અંબિકા બસ સ્ટેન્ડ નજીક હાઈવે પર આજે પેસેન્જર બેસાડવાની ઉતાવળમાં એક રિક્ષાચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા બાઈક ચાલકનું સંતુલન ખોરવાઈ ગયું હતું. આ દરમિયાન બાઈક પાછળ બેસેલી મહિલા રોડ પર પટકાયા હતા આ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી ટ્રકનું તોતિંગ ટાયર મહિલા પર ફરી વળતા તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.આ ઘટનાની જાણ થતા જ કલોલ પોલીસ તુરંત દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પાસે વહેલી સવારથી જ પેસેન્જર રિક્ષાઓ, ઈકો વાહનો અને ખાનગી વાહનોનો રોજેરોજ ખડકલો જોવા મળે છે. રોડની સાઈડમાં ગેરકાયદેસર રીતે ઉભા રહેતા આ વાહનોને કારણે મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. જેના લીધે રોજબરોજની માફક આજે અહીં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
સ્થાનિક લોકોના કહેવા મુજબ કહ્યું કે, અહીં વારંવાર થતા ટ્રાફિકને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિસ્તાર અગાઉ પણ ગંભીર અકસ્માતો સર્જાયા છે. જેમાં સરકારી બસ અને લક્ઝરી વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં. છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.


