સુરત, 2 જુન, 2026 : 3 people rescued after fire breaks out in hotel શહેરના સારોલી-કુંભારીયા રોડ પર આવેલી એક હોટલમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. હોટલના એક રૂમમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે અંદર હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને હોટલના રૂમમાં ફસાયેલા ત્રણ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સારોલી-કૂંભારીયા રોડ પર સારથી કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી આ ઓયો હોટલમાં કુલ 19 રૂમ આવેલા છે. રાત્રિના સમયે હોટલના રૂમ નંબર 104માં આગ ફાટી નીકળી હતી. હોટલમાં પ્રોપર વેન્ટિલેશનની કોઈ સુવિધા ન હોવાને કારણે, જોતજોતામાં આગનો કાળોડિબાંગ ધુમાડો આખી હોટલમાં અને પેસેજમાં પ્રસરી ગયો હતો. હોટલના રૂમમાં રહેલા ગાદલા, ગાદી અને લાકડાના આલીશાન ફર્નિચરના કારણે આગ વધુ ઝડપથી ભભૂકી ઉઠી હતી અને તેણે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ લાગી ત્યારે હોટલના અલગ-અલગ રૂમમાં ગ્રાહકો હાજર હતા. ધુમાડાના ગોટેગોટા વચ્ચે હોટલમાં રોકાયેલા ત્રણ જેટલા લોકો અંદર જ ફસાઈ ગયા હતા અને બૂમાબૂમ મચી ગઈ હતી. ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. દુર્ઘટનાની ગંભીરતાને જોતા સારોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કોમ્પ્લેક્સની આસપાસ લોકોના ટોળાને દૂર કરી બંદોબસ્ત ગોઠવ્યો હતો. ચોથા માળે આગ હોવાને કારણે અને લોકો ફસાયા હોવાના મેસેજ મળતા જ ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. શહેરના ચાર અલગ-અલગ ફાયર સ્ટેશનની 8થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઊંચાઈ પરથી લોકોને સુરક્ષિત નીચે ઉતારવા અને આગ ઓલવવા માટે તાત્કાલિક 3 ટર્ન ટેબલ લેડર (હાઈડ્રોલિક ક્રેન) પણ મંગાવવામાં આવી હતી. હોટલમાં તમામ લોકોને બચાવી લઈને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.


