1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના રેલવે સ્ટેશન પર 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, 3ની ધરપકડ
સુરતના રેલવે સ્ટેશન પર 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, 3ની ધરપકડ

સુરતના રેલવે સ્ટેશન પર 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, 3ની ધરપકડ

0
Social Share

સુરત, 11 મે 2026: Gold theft worth Rs 45 lakhs solved શહેરના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડનો લાભ ઉઠાવીને એક વૃદ્ધ પ્રવાસીનું ખિસ્સું કાપીને 45 લાખની કિંમતના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી થતા રેલવે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી, આ ચોરી કેસનો ભેદ ઉકેલવા માટે વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને રિક્ષા ચાલકની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે,  મૂળ બનાસકાંઠાના અને હાલ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય કાંતિલાલ મહેતા પોતાના વતન ધનાલી ખાતે ગયા હતા. ત્યાં શીતલનાથ જૈન દેરાસરની દાનપેટીમાંથી નીકળેલા 100-100 ગ્રામના સોનાના 3 બિસ્કિટ (કુલ 300 ગ્રામ) તેઓ સુરતના મંદિરોમાં કોરિડોર બનાવવા માટે દાનમાં આપવા લાવ્યા હતા. તા. 9 મેના રોજ ભુજ-બાંદ્રા એક્સપ્રેસ દ્વારા સુરત ઉતરી જ્યારે તેઓ પ્લેટફોર્મ નંબર 2 પરથી લિફ્ટમાં ચઢ્યા, ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા તસ્કરે તેમના પેન્ટનું ચોર ગજવું કાપી 45 લાખનું સોનું સેરવી લીધું હતું.

આ બનાવની રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ રેલવે એસ.પી. અભય સોનીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને રેલવે પોલીસની ટીમો કામે લાગી હતી. પોલીસે સ્ટેશનથી લઈને બહારના પાર્કિંગ સુધીના સીસીટીવી તપાસતા એક શંકાસ્પદ ઇસમ પ્લેટફોર્મ નંબર 4 થી બહાર નીકળી રિક્ષામાં બેસતો જણાયો હતો. વરાછા અને કાપોદ્રા વિસ્તારના આશરે 100 જેટલા કેમેરા ફંગોળ્યા બાદ રિક્ષા નંબર મળી આવ્યો હતો. રિક્ષા ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે પેસેન્જરને વરાછાની શક્તિવિજય સોસાયટી પાસે ઉતાર્યો હતો. પોલીસે શક્તિવિજય સોસાયટીમાં વોચ ગોઠવી કરણ શંકર મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. કડક પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી જણાવ્યું કે સોનું તેની ભત્રીજી (બાળ કિશોરી) ને આપ્યું છે. બાળકીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેણે સોનું પોતાની દાદી ગીતાબેન અજયભાઈ સોલંકીને આપ્યું હતું. પોલીસે ગીતાબેન પાસેથી ₹45 લાખની કિંમતના ત્રણેય સોનાના બિસ્કિટ સુરક્ષિત રીતે કબજે કર્યા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલો મુખ્ય આરોપી કરણ મકવાણા અગાઉ પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર કામગીરીમાં LCB પી.આઈ. ટી.વી. પટેલ, સુરત રેલવે પી.આઈ. જે.બી. મીઠાપરા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code