1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બારડોલી નજીક બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ આગ લગતા 8નાં મોત
બારડોલી નજીક બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ આગ લગતા 8નાં મોત

બારડોલી નજીક બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ આગ લગતા 8નાં મોત

0
Social Share

સુરત, 2 જુન, 2026 : 8 killed in fire after accident between two buses રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે વધુ એક ગોજારો અકસ્માત સુરતના બારડોલી નજીક સર્જાયો હતો. બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્રની એસ.ટી. બસ ટેન્કરને ટક્કર મારીને બસ ડિવાઇડર કૂદી સામે આવતી મહારાષ્ટ્રની એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બસ સીએનજી સંચાલિત હોવાથી એમાં આગ લાગતા 8 જેટલા પ્રવાસીઓના મોત થયા છે. જ્યારે બીજી બસના 15 જેટલા પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની હાલ તો પ્રાથમિક વિગતો મળી છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, સુરત જિલ્લાના બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 8 પ્રવાસીના કરુણ મોત થયા હોવાની માહિતી મળી છે. રસ્તા પર પલટી મારી ગયેલા એક ટેન્કરને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસ સીએનજી (CNG) સંચાલિત હોવાના કારણે ટક્કર બાદ તુરંત જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવા માટે પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ અન્ય એક સરકારી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બન્ને બસ વચ્ચે સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસો પૈકી એક બસ CNG સંચાલિત હોવાથી, ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગે આખી બસને લપેટમાં લઈ લેતા પ્રવાસીઓમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. આ સાથે જ બારડોલી ફાયર વિભાગની ટીમ અને બારડોલી ટાઉન પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ગંભીર દુર્ઘટનામાં અનેક મુસાફરો દાઝી જવાથી અને ઈજા થવાથી ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code