લૂણાવાડા, 7 જુન, 2026 : Drunk Scorpio driver hits three children મહીસાગર જિલ્લાના લુણાવાડાના આરામપુરા વિસ્તારમાં પૂરફાટ ઝડપે સ્કોર્પિયો કારના ચાલકે ત્રણ બાળકોને અડફેટે લેતા એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, ત્યારે અન્ય બે બાળકોને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સ્કોર્પિયો કારનો ચાલક નશાની હાલત હતો. એવા સ્થાનિક લોકોના આક્ષેપને આધારે પોલીસે આરોપી કાર ચાલકને ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મહીસાગરના લુણાવાડા શહેરમાં આરામપુરા વિસ્તારમાં વાસીયા તળાવ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ GJ.18.EH.4001 નંબરની કાળા કલરની સ્કોર્પિયો કારે પોતાના ઘર આંગણે રમી રહેલ નાના નાના ત્રણ બાળકોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણે બાળકોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. બાળકોને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો ચાલકે પોતાની કારને એક વીજપોલ સાથે અથડાવતા વીજપોલ તૂટી ગયો હતો. આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. લોકોના કહેવા મુજબ સ્કોર્પિયો કારનો ચાલક નશાની હાલતમાં હતો. અકસ્માત સર્જાતા બાદ કાર ચાલકને પોલીસે ઘટનાસ્થળેથી ધરપકડ કરી ચાલકને ઇજાઓ પહોંચેલી હોવાથી લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યારે તમામ ત્રણ બાળકોને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા.
આ અકસ્માકને નજરે જોનાર એક મહિલાના કહેવા મુજબ સ્કોર્પિયા પૂરપાટ ઝડપે આવી હતી. હું એકદમ દોડીને ગલ્લા પાછળ ભરાઈ ગઈ હતી. ત્યારબાદ જોયું તો મારો પૌત્ર ગાડીમાં આવી ગયો હતો, જોયું તો આખું ખૂનવાળું. એની મમ્મી બહાર આવી અને જોતા જ તે બેહોશ થઈ ગઈ. મને પણ હોશ નહોતો તો પણ મેં બે બાળકોને સંભાળ્યા. અકસ્માત પછી બાળકોને વાનમાં દવાખાને લઈ ગયા. બે બાજુવાળાના અને એક અમારું બાળક હતું એને પણ બહુ વાગ્યું આખી ચામડી નીકળી ગયું છે મારા છોકરાનો છોકરો છે. ગાડી બહુ સ્પીડમાં હતી મારા પર પણ ચડી જતી, હું ગલ્લામાં ભરાઈ ગઈ એક બેન પણ ગલ્લામાં ભરાઈ ગયા પછી અહીંયા મારા ઘરે આવીને જોયું તો એક્સિડન્ટ થઈ ગયેલો હતો.


