1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખારાઘોડાના રણમાં 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે વિરોધ
ખારાઘોડાના રણમાં 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે વિરોધ

ખારાઘોડાના રણમાં 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે વિરોધ

0
Social Share

સુરેન્દ્રનગર, 10 જુન, 2026 : Protest against allotment of 5000 acres of land to a private company  જિલ્લાના ખરાઘોડા, પાટડી, ઝીંઝુવાડા સહિતનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. અને અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, આ રણ વિસ્તાર દેશભરમાં મીઠા ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે સરકાર હસ્તકના હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપની દ્વારા રણ વિસ્તારની 5000 એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવી દેતા અગરિયાઓમાં રોષ ફેલાયો છે. અગરિયાઓએ રણમાં જઈ ખાનગી કંપનીની કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને કંપનીને અપાયેલી મંજૂરી રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

દસાડા તાલુકાના ખારાઘોડાના રણમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયાઓની રોજીરોટી પર સંકટ તોળાયું છે. કારણ કે, સરકાર હસ્તકની હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપની દ્વારા દેગામ રણ વિસ્તારની અંદાજે 5000 એકર જમીન એક ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવી દેવામાં આવતા અગરિયાઓમાં ભારે રોષ ફેલાયો છે. આ જમીન ફાળવણીના કારણે મીઠું પકવતા અગરિયા પરિવારોની આજીવિકા છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખારાઘોડા રણમાં વર્ષોથી અનેક અગરિયાઓ મીઠું પકવે છે અને અહીંથી ઉત્પાદિત થયેલું મીઠું ગુજરાત સહિત દેશ-વિદેશ સુધી મોકલવામાં આવે છે. અગરિયા પરિવારો માટે આજીવિકાનું એકમાત્ર સાધન મીઠું જ છે, જેમાં તેઓ વર્ષના આઠ મહિના રણમાં મહેનત કરે છે અને ચોમાસા દરમિયાન બહાર આવી જાય છે. હાલમાં જે જમીન ખાનગી કંપનીને ફાળવવામાં આવી છે તેના પર કંપની દ્વારા ચારેય તરફ મોટા પાળા બાંધવાની કામગીરી શરૂ કરી દેવાતા અંદાજે 400થી વધુ અગરિયા પરિવારોના અવરજવરનો મુખ્ય રસ્તો અને પાણીનો કુદરતી પ્રવાહ બંધ થઈ ગયો છે અને તેની સીધી અસર તેમની રોજગારી પર પડી છે.

આ મામલે અગરિયા મંડળીના ચેરમેને જણાવ્યું હતું કે, એક તરફ હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા રણમાં ગરીબ બાળકો માટે આંગણવાડી કે લાઈબ્રેરી બનાવવા માટે જગ્યા આપવામાં આવતી નથી અને ખાનગી કંપનીને હજારો એકર જમીન આપી દેવામાં આવી છે, જે યોગ્ય નથી. જમીન ખાનગી કંપનીને ફાળવી દેવાના વિરોધમાં મોટી સંખ્યામાં અગરિયાઓ પહેલા ખારાઘોડા શાળાના પટાંગણમાં એકત્રિત થયા હતા અને ત્યાંથી રણમાં પહોંચીને કંપની દ્વારા કરવામાં આવતી કામગીરીને અટકાવી દીધી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code