અમદાવાદ, 15 જુન, 2026 : 50 officials caught taking bribe in last 6 months રાજ્યમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. અરજદારો જાગૃત બનીને ફરિયાદ કરે તો જ લાંચિયા અધિકારીઓ પકડાતા હોય છે. છેલ્લા 6 મહિનામાં 50 જેટલા અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. લાંચ માગવાના કેસમાં ગૃહ વિભાગ પ્રથમ સ્થાને છે. જ્યારે બીજા નંબરે પંચાયત વિભાગ છે. હંમેશા પ્રથમસ્થાને રહેતા મહેસુલ વિભાગ લાંચ માગવામાં ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં વર્ષ 2026ના માત્ર પ્રથમ 6 મહિનામાં જ રાજ્યના 50 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. પોલીસ વિભાગથી લઈને પંચાયત અને મહેસૂલ સુધીના વિભાગોમાં ફેલાયેલું આ ભ્રષ્ટાચારનું નેટવર્ક સામાન્ય જનતા માટે આશીર્વાદને બદલે શ્રાપ બની રહ્યું છે. ગયા વર્ષે 164 ભ્રષ્ટાચારીઓ પકડાયા હતા, જેની સરખામણીએ આ વર્ષનો આંકડો સૂચવે છે કે ભ્રષ્ટાચારની વધી રહ્યો છે. તાજેતરમાં ગાંધીનગરના ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ઓફિસના ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. અને તેમની તપાસ દરમિયાન 2.64 કરોડની જ્વેલરી અને મિલકતો મળી આવી હતી, જે દર્શાવે છે કે સત્તાના જોરે કેવી કમાણી કરવામાં આવે છે. આ માત્ર મોટા અધિકારીઓ પૂરતું મર્યાદિત નથી, જન્મના દાખલાથી લઈને બીલ પાસ કરાવવા સુધીના પાયાના કામોમાં પણ તલાટી અને ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ કમિશન માંગી રહ્યા છે. આણંદમાં તો બે મહિલા પોલીસ કર્મીઓ પણ 1.10 લાખની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ હતી.
રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ત્યારે જ એક્શનમાં આવે છે, જ્યારે કોઈ ફરિયાદ કરે, પરંતુ સરકારી વિભાગોમાં પોતાનું કોઈ આંતરિક સર્વેલન્સ તંત્ર હોય તેવું દેખાતું નથી. શિસ્તભંગના પગલાં લેવામાં થતો વિલંબ અને કોર્ટમાં નીચો કન્વિક્શન રેટ (સજાનો દર) ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં વિવિધ સરકારી વિભાગોમાં 50 અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. જેમાં ગૃહ વિભાગના 11, પંચાયત વિભાગના 8 અને મહેસુલ વિભાગના 6 અધિકારીનો સમાવેશ થયા છે.


