ગાંધીનગર, 21 જુન,2026 : International Yoga Day મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે ૧૨મા વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આહ્વાન કરતાં કહ્યું કે યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ ન રહેતાં આપણી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનવો જોઈએ.
આ સાથે જ સમગ્ર રાજ્યમાં એક સાથે આશરે સવા કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ અલગ અલગ સ્થળેથી આ ઉજવણીમાં જોડાઈને યોગાભ્યાસ કર્યો હતો.
રાજ્યના સૌ નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આપણી સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને આજે વિશ્વભરમાં સ્વીકૃતિ મળી છે. તેમણે કહ્યું કે ૧૨મા વિશ્વ યોગ દિવસની ઉજવણી એ રીતે પણ વિશેષ છે કે વડાપ્રધાનશ્રીના સુશાસનનાં પણ ૧૨ વર્ષ પૂર્ણ થયાં છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાનએ લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ‘ફિટ ઇન્ડિયા’ અને ‘વિશ્વ યોગ દિવસ’ જેવી મોટી ભેટ આપી છે. જેના પરિણામે યોગ આજે પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું મહત્ત્વનું માધ્યમ બની ગયો છે. આ સાથે જ પર્યાવરણ સુરક્ષા માટે ‘એક પેડ માઁ કે નામ’, ‘કેચ ધ રેઇન’ અને સોલાર એનર્જી દ્વારા ગ્રીન-ક્લીન ઊર્જાનો અભિગમ તેમજ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી તેમજ ‘મિશન લાઈફ’ દ્વારા પર્યાવરણ સાથે સંતુલિત જીવન જીવવાનો માર્ગ પણ વડાપ્રધાનએ બતાવ્યો છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના તણાવપૂર્ણ જીવનમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો સામે યોગ એ સ્વાસ્થ્યપ્રદ જીવનનો સૌથી સરળ અને સચોટ માર્ગ છે.
પટેલે જણાવ્યું કે આ વર્ષની થીમ ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ (Yoga for Healthy Aging) છે. રાજ્યમાં વિવિધ સ્થળે આજના ૧૨મા વિશ્વ યોગ દિવસે સમગ્ર ગુજરાતમાં ૩૩૦થી વધુ સ્થળોએ સવા કરોડથી પણ વધુ લોકો સામૂહિક યોગમાં જોડાયા છે.
મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે ગુજરાત યોગ ક્ષેત્રે હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧.૫ લાખ યોગ ટ્રેનર તૈયાર કરી દેશમાં સૌથી વધુ ટ્રેનર બનાવવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં ૫૦૦૦થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસ દ્વારા એક વર્ષમાં ૮ લાખથી વધુ લોકોને યોગ સાથે જોડવામાં આવ્યા છે.
એટલું જ નહીં, રાજકોટ મહાનગરપાલિકાએ યોગ બોર્ડ સાથે વિશેષ એમઓયુ કરીને ‘૧૫ મિનિટ યોગ સિટી’નો નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં શહેરના કોઈ પણ સ્થળેથી ૧૫ મિનિટના અંતરે યોગ સેન્ટર ઉપલબ્ધ થાય તેવું આયોજન છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વ્યક્તિગત સ્વાસ્થ્યની સાથે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવીને સૌને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭’ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાના કાર્યમાં જોડાઈ જવા આહ્વાન કર્યું હતું.
રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ રાજપૂતે સૌનું સ્વાગત કરી, દૈનિક જીવનમાં યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે યોગને સનાતન ઋષિ પરંપરાની અદ્વિતીય ભેટ ગણાવી, ૩૬૫ દિવસ માટે યોગને અપનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે કોમન યોગ પ્રોટોકોલ સાથે સૌને યોગાભ્યાસ પણ કરાવ્યો હતો.


