Homeગુજરાતીગુજરાતઅમદાવાદ, ભાવનગર સહિત સરકારી હોસ્પિટલો માટે 18 અદ્યત્તન ફેકો મશીનને મંજુરી

અમદાવાદ, ભાવનગર સહિત સરકારી હોસ્પિટલો માટે 18 અદ્યત્તન ફેકો મશીનને મંજુરી

ગાંધીનગર, 16 ઓક્ટોબર, 2026 : 18 phaco machines approved for government hospitals રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ અને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના અભિગમ સાથે આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં નેત્ર રોગની અદ્યતન સારવાર તેમજ મોતિયાના ઓપરેશન (Cataract Surgery) માટે અત્યંત ઉપયોગી એવા ૧૮ ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ વસાવવાની મંત્રી  પ્રફુલ પાનશેરીયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ની કુલ કિંમત રૂ. ૮.૮૫ કરોડથી વધુના અંદાજિત ખર્ચે ખરીદવામાં આવનારા આ અદ્યતન મશીનો રાજ્યની વિવિધ સરકારી આંખની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં ફાળવવામાં આવશે, જેથી સામાન્ય દર્દીઓને વિનામૂલ્યે આધુનિક ટેકનોલોજીથી નેત્ર સારવારનો લાભ મળશે.

 રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ અદ્યતન ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ વિવિધ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં પહોંચાડવામાં આવશે. જેમાં એમ. એન્ડ જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી-અમદાવાદને ૭ મશીન, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ -ભાવનગરને ૨ મશીન તથા જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ -મોરબીને ૨ મશીન અપાશે. આ ઉપરાંત ન્યૂ સિવિલ હોસ્પિટલ-સુરત), ઓલ્ડ સિવિલ હોસ્પિટલ (સુરત), જી.જી. જનરલ હોસ્પિટલ -જામનગર, જનરલ હોસ્પિટલ, ઈ .એસ.આઈ.સી -વડોદરા તેમજ જી.એમ.ઈ.આર.એસ. ગાંધીનગર, વડનગર અને હિંમતનગર ખાતે ૧-૧ નંગ ફેકોઇમલસિફિકેશન મશીન ફાળવાશે.

 આ ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ મોતિયાના ઓપરેશન માટેનું અત્યંત આધુનિક મેડિકલ સાધન છે, જેનાથી સર્જનને અલ્ટ્રાસાઉન્ડ એનર્જી, વેક્યૂમ અને પ્રવાહીના પ્રવાહ (Fluidics) પર સચોટ નિયંત્રણ મળે છે, જેના પરિણામે દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે. આ મશીનના હેન્ડપીસમાં રહેલી અદ્યતન એલિપ્ટિકલ મૂવમેન્ટ ટેકનોલોજીની મદદથી મોતિયાના ટુકડાઓને સરળતાથી તોડીને દૂર કરી શકાય છે, જેથી સર્જનને સર્જરી દરમિયાન વધુ સરળતા અને નિયંત્રણ રહે છે.

ઓપરેશન દરમિયાન આંખની અંદરના દબાણમાં થતા ફેરફારોને આ મશીન ત્વરિત ઓળખીને તેને સ્થિર રાખવામાં મદદરૂપ બને છે.  CASE ટેકનોલોજી (Chamber Stabilization Environment) વેક્યૂમ અને પ્રવાહી પ્રવાહના ફેરફારોને નિયંત્રિત કરી, ઓપરેશન દરમિયાન આંખની અંદર અચાનક દબાણ ઘટવાના જોખમને (Post-Occlusion Surge) અટકાવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular