સુરત, 22 ઓક્ટોબર, 2026 : 6 godowns burnt to ashes after fire breaks out during welding in Patra’s shed શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગજેરા કમ્પાઉન્ડ ખાતે આવેલા હરિ કેમ્પસના પતરાના શેડમાં વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરતા આજુબાજુના છ જેટલા ગોડાઉનને લપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં ઇવેન્ટ મેનેજમેન્ટનો મોંઘોદાટ સામાન અને કિંમતી સોલાર પેનલો બળીને ખાક થઈ ગયા હતા. ફાયર ફાઈટરોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના મોટા વરાછામાં હરિ કેમ્પસમાં પતરાના શેડમાં વેલ્ડિંગનુ કામ ચાલી રહીયું હતું. તે દરમિયાન વેલ્ડિંગમાંથી ઊડેલા તણખા નજીકમાં પડેલા જ્વલનશીલ સામાન પર પડ્યા હતા અને જોતજોતામાં આગ ભડકી ઊઠી હતી. પતરાના શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આગ આસપાસના અન્ય ગોડાઉનોમાં પ્રસરી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા સાથે આકાશમાં ઊંચી જ્વાળાઓ દેખાવા લાગી હતી, જેથી સમગ્ર વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવની જાણ થતા જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ફાયર ફાઈટરો અને પાણીના બાઉઝર સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી પરિસ્થિતિ થાળે પાડી શકાઈ હતી. ફાયર વિભાગની સમયસરની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.
ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેલ્ડિંગ દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તેમજ આગ લાગવા પાછળ કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


