અમદાવાદ, 27 ઓક્ટોબર, 2026 : Police opened fire on accused in drug case while trying to flee શહેરમાં સીટીએમ નજીક એક્સપ્રેસ હાઈવે પરથી ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 25 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. આ આરોપીઓને હોસ્પિટલમાં ચેક-અપ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાના પ્રયાસ કરતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ ફાયરિંગ કરીને આરોપી કફીલને પગમાં ગોળી ધરબી દીધી હતી. બીજી તરફ ફાયરિંગમાં PSI રાવલ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, રૂપિયા 25 કરોડના ડ્રગ્સ-હેરાઈન કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારીને નિયમિત હોસ્પિટલ ચેકઅપ માટે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી.બી. આલ અને તેમની ટીમ લઈને જઈ રહી હતી. દરમિયાન સાંજે આશરે 4:30 વાગ્યે આરોપીએ કફીલે સાબરમતી રિવરફ્રન્ટ નજીક પોલીસ જાપ્તામાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ સાથે થયેલી ઝપાઝપીમાં ફાયરિંગ થયું હતું. જેમાં કફીલને પગમાં ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો. તો બીજી તરફ ફાયરિંગમાં PSI રાવલ પણ ઈજાગ્રસ્ત થયા હતા. આરોપી કફીલને પગમાં ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
આ ડ્રગ્સ કેસની વિગત એવી હતી કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાને એક બાતમી મળી કે, ડ્રગ્સ કેસમાં વર્ષોથી જેલમાં કેદ અને પેરોલ પર છૂટેલો કફીલ અહેમદ દિલ્હીથી ડ્રગ્સનો જથ્થો લઈને નીકળ્યો છે જે અમદાવાદ થઈ રાજકોટ જવાનો છે. ત્યારબાદ ડીસીપી ભાવેશ રોજીયાએ અમદાવાદના પોલીસ કમિશનર ગેહલોતને જાણ કરી હતી. ગેહલોતની ક્રાઈમ જેસીપી શરદ સિંઘલ અને ડીસીપી અજી રાજીયન સાથે બેઠક બાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ પી.એમ ધાકડા અને વી.બી. આલની બે ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એસ.એન. પરમાર પણ તેમની ટીમ સાથે અમદાવાદ પહોંચ્યા હતા. અને ગઈ 20 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમ અલગ અલગ છ જેટલી ગાડીઓમાં CTM એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસે પહોંચી હતી. ત્રણેય ટીમના પીઆઇ અને તેમના માણસો 200-200 ફૂટના અંતરે અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. લગભગ 8:45 વાગ્યાની આસપાસ દિલ્હી પાસિંગની કાળા કલરની XUV કાર આવતા જ ત્રણેય પીઆઇએ એકબીજાને ઈશારો કરી ગાડી ઊભી રખાવવા ગોઠવાઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે XUV કારમાંથી 25.71 કરોડના હેરોઇન અને એમડી ડ્રગ્સ સાથે દિલ્હીના ત્રણ સપ્લાયરોને ઝડપી લીધા છે. જેમાં કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારી, તિફેલ નોખેજ અને મોહમ્મદ ઈમરાન ઉર્ફે રાજા અલવી મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.


