રાજકોટ, 27 ઓક્ટોબર, 2026 : Discontent among industrialists against power cuts શહેર અને જિલ્લામાં ઉદ્યોગો માટે જાહેર કરાયેલા બુધવારના ફરજિયાત વીજકાપના નિર્ણય સામે ઉદ્યોગકારોમાં ભારે નારાજગી ઊભી થઈ છે. હાલ દીવાળીના તહેવારો નજીક છે. અને નવા ઓર્ડરો મળી રહ્યા છે. ત્યારે ઉદ્યોગોમાં વીજ કાપથી ઉત્પાદન પર અસર પડી રહી છે. આથી તાત્કાલિક વીજળી કાપ દૂર કરવા માટે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (GRCCI) દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ રાજીવ દોશીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ગ્રાહકો પાસેથી પહેલાથી જ મિનિમમ ચાર્જની વસુલાત કરવામાં આવે છે, છતાં બુધવારના વિજકાપનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. આ નિર્ણયથી MSME એકમો અને હજારો કામદારોની રોજગારી પર સીધી અસર પડશે, જેથી આ નિર્ણયને મુલતવી રાખવા માંગ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના લક્ષ્મીનગર ફીડરમાં આવતા કારખાનાઓમાં મેન્ટેનન્સના નામે અચાનક વીજકાપ આપતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં આશરે 1000 જેટલા નાના-મોટા કારખાનાઓ આવેલા છે, જેમાં રોજના 10,000 જેટલા કામદારો કામ કરે છે. આજે અડધો દિવસ વીજળી ગુલ રહેતા તમામ કામકાજ અટવાઈ પડ્યું હતું.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું કે, દિવાળીના સમયમાં સૌથી વધુ ઓર્ડર આવતા હોય છે. તંત્રને અગાઉથી જ ખબર હતી કે, મેઈન્ટેનન્સ કરવાનું છે, તો તે કામ રવિવારે કરવાને બદલે બુધવારે જ કરવું જોઈતું હતું, કારણ કે બુધવારે તો સરકારના આદેશ મુજબ કારખાનાઓ બંધ જ રહેવાના છે. દિવાળી પહેલાના 2-3 બુધવાર એવા હોય છે કે, જ્યારે બુધવારે પણ કારખાના બંધ રાખવા પોસાતા નથી. હાલ રાજકોટના ઉદ્યોગકારોએ તહેવારની સિઝન પૂરી થાય ત્યાં સુધી વીજકાપનો નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી માગ કરી છે.


