Homeગુજરાતીગુજરાતઓપરેશન ગંગાજળ, વધુ બે ક્લાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવાયા

ઓપરેશન ગંગાજળ, વધુ બે ક્લાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવાયા

ગાંધીનગર, 28 ઓક્ટોબર, 2026 : Two more Class One officers compulsorily retired ગુજરાત સરકારે ભ્રષ્ટ અને ગેરરીતિ કરતા અધિકારીઓને ઓપરેશન ગંગાજળ અંતર્ગત ફરજિયાત નિવૃત કરી દેવામાં આવે છે, ત્યારે ગેસ કેડરના વધુ બે ક્લાસ-વન અધિકારીને પણ સમય પહેલાં નિવૃત્ત કરી દેવાયા છે. જેમાં ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સોસાયટી (GSTDREIS), ગાંધીનગરના જોઈન્ટ કમિશનર ડી.આઈ. ભગલાણી, તેમજ સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જે. એમ. તુવરનો સમાવેશ થાય છે. આ બંને અધિકારીઓ GASના સિનિયર સ્કેલના અધિકારીઓ છે. આ ઉપરાંત IPS અધિકારી જગદીશ પટેલને પણ સમય પહેલાં નિવૃત્ત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે નોટિસ આપવામાં આવી હોવાનું કહેવાય છે.

ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટ આચરણ કરતાં અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવે છે. ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ IAS, IPS, GAS, GPS સહિત કેડરના ક્લાસ-1 અને ક્લાસ-2ના 81થી વધુ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ ડી.આઈ. ભગલાણી અને જે.એમ. તુવરને તેમની નિયમિત નિવૃત્તિની ઉંમર પહેલાં જ સરકારી સેવામુક્ત કરવામાં આવ્યા છે. જે.એમ. તુવર સામે કચ્છમાં ફરજ દરમિયાન ગેરરીતિઓના સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

ગુજરાતમાં બિટકોઇન કૌભાંડને કારણે ચર્ચામાં આવેલા IPS અધિકારી જગદીશ પટેલને પણ ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ નોટિસ આપવામાં આવી છે. વર્ષ 2017-18 દરમિયાન અમરેલીમાં DSP તરીકે ફરજ બજાવતા સમયે બિટકોઇન સંબંધિત કેસમાં તેમનું નામ સામે આવ્યું હતું. આ પ્રકરણમાં અગાઉ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સરકારી સેવામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.  આ કેસમાં તત્કાલીન ધારાસભ્ય સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હવે જગદીશ પટેલને સમય પહેલાં નિવૃત્ત કરવાની દિશામાં નોટિસ અપાઈ હોવાનું જાણવા મળ્યુ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular