અમદાવાદ, 31 ઓકટોબર,2026 : Rain accompanied by mini-storm in Amreli and Gir Somnath districts ગુજરાતમાં શિયાળાના આગમનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શુક્રવારે સૌરાષ્ટ્રના અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં મીની વાવાઝોડા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારમાં ધોરમાર વરસાદ પડ્યો હતો. કોડીનારના ઘાંટવડ ગામે તો તેજ પવન ફૂંકાતા ખેડૂતના મકાનના પતરા ઉડી ગયા હતા. એટલું જ નહીં ગામની ફાટક પાસેના પેટ્રોલપંપ પરના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં શુક્રવારે બપોરે બાદ પોશીના, ઈડર અને હિંમતનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું.
ગુજરાતમાં હાલ ઠંડી અને ગરમી મિશ્રિત બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે શુક્રવારે વાતાવરણાં પલટો આવતા અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં મીની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. અમરેલીના ખાંભા-ઉના સ્ટેટ હાઇવે પર પવનના કારણે રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર ઠપ થયો હતો. વૃક્ષો રસ્તા પર પડતાં વાહનોની કતારો લાગી હતી. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જ્યારે ધોધમાર વરસાદના કારણે હનુમાનપુર ગામની શેરીઓમાં પાણી વહેતાં થયાં હતાં.
આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડર નજીક આવેલા મોતીસર, નિતલી વડલી, નગડિયા અને જશાધાર થોરડી સહિતનાં ગામોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વરસેલા વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક અને ચાલી રહેલી ખેતીની કામગીરીને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. કોડીનારના ઘાંટવડ ગામે વરસાદની સાથે તેજ પવન ફૂંકાવાના કારણે વાડી વિસ્તારમાં ખેડૂતના મકાનના તમામ પતરા ઉડ્યા હતા. ઘાટવડ ગામના ફાટક નજીક આવેલા પેટ્રોલ પંપ પર પણ નુકસાન થયું છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવતાં શુક્રવારે બપોર બાદ પોશીના, ઈડર અને હિંમતનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું. વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઈડર તાલુકાના દરામલી, નેત્રામલી, ઈસરવાડા, ભદ્રેસર સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જ્યારે હિંમતનગર શહેરમાં ગાજવીજ બાદ વરસાદી છાંટા વરસ્યા હતા. હિંમતનગર તાલુકાના હિંમતપુર, ઉમિયાનગર, મહાદેવપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. બીજી તરફ પોશીના અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટન ડિસ્ટર્બન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે.


