રાજકોટ, 15 જુન, 2026 : Advance planning carried out against possible epidemics during monsoon ગુજરાતમાં આજે 15મી જુનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પણ હજુ મેઘરાજાની પધરામણી થઈ નથી. ત્યારે રાજકોટમાં વરસાદને લીધે થતાં સંભવિત રોગચાળા સામે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આગોતરૂ આયોજન કર્યું છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના પ્લાનિંગ અંતર્ગત તમામ વહીવટી અને તબીબી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના કારણે રોગચાળો વકરે નહીં અને નાગરિકોને આરોગ્યલક્ષી કોઈ મુશ્કેલી ન પડે તે માટે ત્રણેય ઝોન માટે રેપિડ રિસ્પોન્સ ટીમો બનાવાઈ છે. તેમજ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો બફર સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે.
રાજકોટ મ્યુનિ.ના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં ચોમાસા દરમિયાન ઊભી થનારી કોઈપણ આકસ્મિક કે ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ એમ દરેક ઝોન દીઠ 2-2 રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT)ની રચના કરવામાં આવી છે. આ ટીમો ઈમરજન્સીના કિસ્સામાં કે રોગચાળાના પ્રાથમિક લક્ષણો દેખાતા જ જે-તે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે દોડી જઈને જરૂરી બચાવ અને સારવારની કામગીરી સંભાળશે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા શહેરના એવા સંભવિત વિસ્તારોનું પ્રોપર મેપિંગ કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની કે તે વિસ્તાર સંપર્કવિહોણો થઈ જવાની શક્યતા વધુ રહેલી હોય છે. આવા પાણીના ડૂબમાં જઈ શકે તેવા વિસ્તારોની ઓળખ (આઈડેન્ટિફાય) કરીને ત્યાં વસવાટ કરતી તમામ સગર્ભા મહિલાઓ અને ધાત્રી બહેનોની એક લાઈવ લિસ્ટ અને ચોક્કસ યાદી તૈયાર કરવામાં આવી છે.


