અમદાવાદ, 15 જુન, 2026 : Arrests 3 accused in NEET paper scam દેશમાં તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે યોજાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક થતા હોબાળો મચી ગયો હતો. આ કૌભાંડની તપાસ સીબીઆઈ સહિત વિવિધ એજન્સીઓ કરી રહી છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપીને દબોચી લીધા છે. જેમાં સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર ચેનલો બનાવીને લાખો રૂપિયામાં NEETના પેપરો વેચવાનો ધંધો કરનારા 2 શખસોને રાજસ્થાનથી અને પરીક્ષા ફીના રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ઠગાઈ આચરનારા એક આરોપીની બિહારથી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશભરમાં ચાલી રહેલા NEET પેપર લીક વિવાદનો ગેરકાયદે ફાયદો ઉઠાવવા માટે અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હોવાની ચોક્કસ બાતમી સાયબર ક્રાઇમને મળી હતી. બે આરોપી ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી NEETના પેપર વેચ્યા હતા. બન્ને આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવાયા છે. આરોપીઓ ટેલિગ્રામ પર NEETના પેપર વેચવા અંગેનો મેસેજ મુકતા હતા. જે બાદ જેને ખરીદવું હોય તે આરોપીઓને મેસેજ કરતા હતા અને આરોપી લાખો રૂપિયા લઈને પેપર અને આન્સર કી આપતા હતા. જોકે, આરોપીઓ કોઈ જુના પેપર કે ખોટા પેપર વેચીને ફ્રોડ કરતા હતા. બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત NEETની પરીક્ષામાં રિફંડના નામે ફ્રોડ કરતા અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરતો હતો. વિદ્યાર્થીઓના આઇડી અને પાસવર્ડ સાથે ચેડા કરીને તેઓની સાથે ફ્રોડ કરતો હતો, જેની સાયબર ક્રાઈમે બિહારથી ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 સેન્ટરોમાં યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. NTA અનુસાર, 7 મેની સાંજે પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી. ત્યારબાદ આ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 15 મેના રોજ શિક્ષણ મંત્રાલય અને NTA એ NEET રી-એક્ઝામની તારીખ 21 મેના રોજ યોજાવાની જાહેરાત કરી હતી. આ મામલાની તપાસ CBI કરી રહી છે. અત્યાર સુધીમાં 12થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


