Homeગુજરાતીગુજરાતસુરતમાં તાપી નદી પરનો રાંદેરના કોઝ-વે પરથી વાહન વ્યવહાર શરૂ કરાયો

સુરતમાં તાપી નદી પરનો રાંદેરના કોઝ-વે પરથી વાહન વ્યવહાર શરૂ કરાયો

સુરત, 26 સપ્ટેમ્બર, 2026 : Vehicle traffic resumed from Rander’s causeway  શહેરમાંથી પસાર થતી તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સિંગણપોર અને રાંદેરને જોડતો મહત્વપૂર્ણ વિયર-કમ-કોઝવે ફરી એકવાર તમામ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત થઈ છે. આ નિર્ણયથી છેલ્લા ઘણા સમયથી હાલાકી ભોગવી રહેલા હજારો વાહનચાલકોને મોટો હાશકારો થયો છે.

સુરત શહેરમાં તાપી નદી પર સિંગણપોર અને રાંદેરને જોડતો વિયર કમ કોઝવે ચોમાસા દરમિયાન ઉકાઈ ડેમમાંથી છોડાતા પાણીને લીધે બંધ કરાતો હોય છે. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં કોઝવે ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો થતાં વાહનોની અવરજવર માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારપછી સપ્ટેમ્બરના પ્રારંભે પાણી ઘટતા થોડા દિવસો માટે માર્ગ ખોલાયો હતો. પરંતુ સપ્ટેમ્બરના મધ્યમાં ફરી વરસાદનું જોર વધતાં અને જળસ્તર ઊંચકાતાં તકેદારીના પગલારૂપે તંત્રએ કોઝવે પર ફરીથી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. કોઝવે બંધ રહેવાના કારણે સિંગણપોર, કતારગામ, રાંદેર અને અડાજણ તરફ અવરજવર કરતા દૈનિક મુસાફરો, નોકરીયાતો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. લોકોને અવરજવર માટે અન્ય બ્રિજનો સહારો લેવો પડતો હતો, જેના કારણે લગભગ 5 કિલોમીટર લાંબો ચકરાવો કાપવો પડતો હતો અને ટ્રાફિક જામની સમસ્યા પણ વેઠવી પડતી હતી.

હાલમાં વરસાદી માહોલ ન હોવાથી અને તાપી નદીનું જળસ્તર નિયંત્રણમાં આવતાં તંત્રએ માર્ગ સાફ કરી આજથી કોઝવેને વિધિવત રીતે શરૂ કરી દીધો છે. લાંબા ચકરાવામાંથી મુક્તિ મળતાં અને સમય તેમજ ઈંધણની બચત થતાં સ્થાનિક વાહનચાલકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular