જામનગર, 24 જુન 2026 : Attack on municipal team that went to relieve pressure શહેરના વ્યસ્ત એવા અંબર ચોકડી વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ નીચે લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. દબાણ હટાવ ટીમ નડતરરૂપ ગેરકાયદે બાંધકામો હટાવી રહી હતી, ત્યારે અચાનક જ સ્થાનિક લોકો દ્વારા ટીમ પર હુમલો કરાતા મ્યુનિના ચાર હંગામી કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના અંબર ચોકડી વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ નીચે લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ મ્યુનિની ટીમ પર હુમલો કર્યો હતો. કર્મચારીઓ કંઈ સમજે કે પોતાનો બચાવ કરે તે પહેલાં જ અસામાજિક તત્વોએ તેમની આંખોમાં મરચાંની ભૂકીનો સ્પ્રે છાંટી દીધો હતો. તેમજ હુમલાખોરોએ ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો અને લોખંડની પાઇપો તેમજ લાકડીઓ વડે કર્મચારીઓને માર મારવાનું શરૂ કર્યું હતું. સરકારી કામગીરીને અટકાવવા અને મનપાની ટીમને ભગાડવા માટે અસામાજિક તત્વોએ કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના હુમલો કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ હુમલામાં મ્યુનિના એસ્ટેટ વિભાગના ચાર હંગામી કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા ફરજ પરના મ્યુનિના કર્મચારીઓ પર આ પ્રકારે થયેલા હુમલાને પગલે મ્યુનિ. પ્રશાસન અને રાજકીય અગ્રણીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા મ્યુનિના ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી અને શાસક પક્ષના નેતા અમર મોદી સહિતના પદાધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક જી.જી. હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લઈને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. પોલીસે હુમલો કરનારા આરોપીને રાઉન્ડઅપ કરવાની તજવીજ હાથ ધરી છે.


