1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થાનમાં સિરામિક ઉદ્યોગને 3 લાખ ટન માટીની જરૂરિયાત સામે 40 ટકા જથ્થો મળતા મુશ્કેલી
થાનમાં સિરામિક ઉદ્યોગને 3 લાખ ટન માટીની જરૂરિયાત સામે 40 ટકા જથ્થો મળતા મુશ્કેલી

થાનમાં સિરામિક ઉદ્યોગને 3 લાખ ટન માટીની જરૂરિયાત સામે 40 ટકા જથ્થો મળતા મુશ્કેલી

0
Social Share

સુરેન્દ્રનગર, 28 જુન 2026 : Ceramic industry faces problems due to clay shortage જિલ્લાના થાનમાં સિરામિક ઉદ્યોગકારો માટી (ક્લે)નો પુરતો જથ્થો મળતો ન હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. સીરામિક કલેની ભારે અછત હોવાથી 40 ટકા જ માલ મળે છે. ખાણ-ખનીજ વિભાગના બિન જરૂરી નિયંત્રણના લીધે આ સ્થિતિનું નિર્માણ થયું છે.આથી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થાન વિસ્તારના સિરામિક ઉદ્યોગકારોની વ્યાજબી અને ગંભીર સમસ્યા અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ખાણ અને ખનિજ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પાઠવેલા પત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે,  થાનગઢના 250 સીરામિક કારખાનાઓને પોતાની ઉત્પાદન ક્ષમતા પૂર્ણ રાખવા માટે દર મહિને 2.5 લાખથી 3 લાખ ટન સીરામિક ક્લે માટીની જરૂરિયાત રહે છે. તેની સામે ખાણ-ખનિજ વિભાગના જટિલ નિયંત્રણોથી ઉદ્યોગકારોને માત્ર 30% થી 40% જથ્થો મળી રહ્યો છે. કાયદેસર રીતે નવી ખાણ લીઝ કે પરવાના માટેની અરજીઓ લાંબા સમયથી સરકારી ટેબલો પર અટકેલી છે. આ ઉપરાંત, માટીના પરિવહન માટે ઓનલાઈન રોયલ્ટી પાસ મેળવવાની પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓ અને કડક નીતિઓનેકારણે સમયસર મંજૂરી મળતી નથી.

 ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના દિનેશભાઇ તુરખીયા, દિલીપસિંહ પરમાર, સુમીતભાઇ પટેલ, કેયુરભાઇ કોઠારીએ સંયુક્તરીતે આવેદન પત્રમાં એવી રજુઆત કરી છે કે, ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન રોકવાના નામે સ્થાનિક લીઝ ધારકો પર અતિ-કડક અને જટિલ નિયમો લદાયા છે. તેના લીધે સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ સિરામિક ઉદ્યોગકારો મંદીનો સામનો કરી રહ્યા છે. સિરામિક ઉદ્યોગ માટે જરૂરી પૂરતી માટી ન મળવાના કારણે સીરામિક એકમોએ કાં તો ઉત્પાદન અડધું કરવું પડ્યું છે અથવા રાજસ્થાનથી મોંઘા ભાવે અને ઊંચા પરિવહન ખર્ચે માટી મંગાવવી પડે છે. જેના કારણે ઉત્પાદન ખર્ચમાં અસામાન્ય વધારો થયો છે. જો આ કટોકટીનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો 250થી વધુ કારખાનાઓ બંધ થઈ જશે, જેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નિર્ભર 50 હજાર શ્રમિકો બેરોજગાર બનશે. ઝાલાવાડ ચેમ્બરે સરકારની એમએસએમઇ પોલીસીના મૂળ ભાવને સાર્થક કરવા નિયમો હળવા કરી, ઝડપી લીઝ મંજૂર કરવા અને નિયમિત માટી પુરવઠો સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીને અપીલ કરી છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code