રાજકોટ, 16 જુલાઈ, 2026 : Lord Jagannath’s Rath Yatra આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજી રથમાં બિરાજીને નગરચર્યાએ નિકળ્યા હતા. શહેરના નાનામૌવાથી નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રથયાત્રામાં ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. રથયાત્રાના પ્રારંભ પહેલા રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ હતી. જ્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડો.નેહલ શુક્લ તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા.
રાજકોટમાં આજે અષાઢીબીજના દિને યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. શહેરના નાના મૌવામાં આવેલા જગન્નાથજી મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ તકે કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસે કહ્યું હતું કે, ભગવાન જગન્નાથની આ રથયાત્રાનાં રથની વિશેષતા છે કે, તેમાં પ્રથમ રથમાં બલભદ્ર, બીજા રથમાં સુભદ્રાજી અને ત્રીજા રથમાં ભગવાન જગન્નનાથ બિરાજમાન થયા છે. જે ભાવિકો મંદિર આવતા નથી તેમને ભગવાન સામે ચાલીને દર્શન આપે છે. ભગવાનના દર્શન માત્રથી લોકોનું જીવન મંગલમય અને સુખમય બની જાય છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે આ રથને સ્પર્શ કરે તે લોકોનું પણ કલ્યાણ થઈ જાય છે. જો રથના દોરડા ખેંચે તેના હાથની અશુભ રેખાઓ શુભ રેખામાં પરિવર્તન પામે છે. રથમાં ભગવાનનું દિવ્ય રૂપ જોવા મળે છે.
શહેરમાં યોજાયેલી રથયાત્રાનો 22 કિલોમીટરનો રૂટ છે અને નિજ મંદિરમાં ભગવાન પરત આવે ત્યારે મહાઆરતી કરવામાં આવશે. રથયાત્રામાં ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. જગન્નાથજીના દર્શન માટે ભાવિકોમાં ભીડ જોવા મળી હતી. બધી જ જગ્યાએ રથયાત્રા થાય છે. પરંતુ રાજકોટની રથયાત્રાની વિશેષતા એ છે કે, તેમાં સાધુ-સંતો અને લોકો કરતબો દેખાડી રહ્યા છે.


