રાજકોટ, 15 જુલાઈ, 2026 : Jagannathji Rath Yatra tomorrow શહેરમાં આવતીકાલે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગરજનોને દર્શન આપવા માટે પરિક્રમાએ નીકળશે. આજે રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કાલે અષાઢી બીજના પાવન અવસરે સવારે 8 વાગ્યે જગન્નાથ મંદિરેથી આ ઐતિહાસિક રથયાત્રાનો મંગલ પ્રારંભ થશે. રથયાત્રાની પવિત્ર પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ માધાતાસિંહ જાડેજાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવશે. અત્યારથી વિવિધ સંસ્થાઓ અને મંડળોમાં ભારે ઉત્સાહ અને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
ભગવાન જગન્નાથજીની આ ભવ્ય રથયાત્રા સવારે 8:00 વાગ્યે નિજ મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાં 26 કિલોમીટર લાંબા ઐતિહાસિક રૂટ પર ભ્રમણ કરશે અને ત્યારબાદ સાંજે 7 વાગ્યે પુનઃ નિજ મંદિરે પરત ફરશે. ભગવાનના સ્વાગત માટે શહેરના વિવિધ સાર્વજનિક, ધાર્મિક, રાજકીય સંગઠનો, વેપારી મંડળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ભારે તૈયારીઓ કરવામાં આવી છે. આ 26 કિલોમીટર લાંબા રૂટ પર ઠેર-ઠેર ભગવાન પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ફુલહાર પહેરાવવામાં આવશે તેમજ ભક્તો માટે શરબત, ઠંડા પીણા અને વિવિધ પ્રસાદનું વિતરણ કરીને રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓ માટે 250 કિલો ફણગાવેલા મગ અને 150 કિલો ચણાના પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
આ વર્ષે નીકળનારી રથયાત્રામાં અનેક વિશેષ આકર્ષણો કેન્દ્રસ્થાને રહેશે, જે નગરજનોને મંત્રમુગ્ધ કરશે. ખાસ કરીને વૃંદાવનની પ્રખ્યાત રાસમંડળી, ભયાવહ અને ભક્તિસભર પ્રસ્તુતિ કરતી અઘોરી મંડળી તેમજ ઉજ્જૈનથી વિશેષ રૂપે પધારનારા સૌથી ઊંચા વિરાટ મહાકાળી માતાજી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ કલાકારો રથયાત્રાના નિર્ધારિત રૂટ પર અલગ-અલગ મુખ્ય ચોક અને ચાર રસ્તાઓ પર પોતાની અદ્ભૂત કલા પ્રદર્શિત કરી નગરજનોને ભક્તિસભર મનોરંજન પૂરું પાડશે. સમગ્ર માહોલ ‘જય રણછોડ, માખણ ચોર’ ના નારાઓથી ગુંજી ઉઠશે.


