ગાંધીનગર, 12 સપ્ટેમ્બર, 2026 : Gujarat has become the prime mover of the AI era અગાઉ જ્યારે કમ્પ્યુટર રિવોલ્યુશન અને IT રિવોલ્યુશન થયું, તે વખતે ભારત પાસે તક હતી કે આપણે એ યુગનું નેતૃત્વ કરીએ. આપણા યુવાનોએ ત્યારે એ તક ઝડપી અને એને પરિણામે આપણા યુવાનો આજે વૈશ્વિક મંચ પર અગ્રસરે છે. પરંતુ કમનસીબે એ વખતે જે લીડ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે લેવી જોઈતી હતી તે ના લેવાઈ, એટલે એ યુગનું નેતૃત્વ કરવાનો વારો આપણા દેશનો ન આવ્યો. હવે જ્યારે AI ના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ આખો દેશ- ભારત એ યુગનું નેતૃત્વ કરે, એ પ્રકારનું માર્ગદર્શન ગુજરાત સહિત તમામ રાજ્યોને આજે મળી રહ્યું છે તેમ, વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.
‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી’ 2026-2029 ના મુખ્યત્વે પ્રોત્સાહન અને ફાયદા અંગે ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે,
આ યુગ-પરિવર્તન કહી શકાય એવી પોલિસી બનાવવાનો શ્રેય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જાય છે.આજનો દિવસ આપણે સૌ યાદ રાખશું. આજથી 10 વર્ષ પછી આ રાજ્યના જ નહીં પણ દેશના યુવાનો યાદ કરશે કેમ કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એવી પોલિસી બનાવી હતી, જેને પરિણામે ગુજરાત આ AI યુગનું દેશનું ‘પ્રાઈમ મુવર’ બન્યું અને દુનિયાનું પણ AI માટેનું સેન્ટર બનવા જઈ રહ્યું છે.
AI માટે જરૂરી હોય તો તે ડેટા અને ડેટા સેન્ટરો છે, અને ડેટા સેન્ટરની ઈકોસિસ્ટમ બનાવવી ખૂબ જરૂરી છે. દુનિયાની અંદર આપણા ડેટા સેન્ટરોની જે ક્ષમતા છે તે અંગે વાત કરીએ તો અત્યારે વૈશ્વિક સ્તરે 122 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરો કાર્યરત છે.
મંત્રીએ વૈશ્વિક ડેટા સેન્ટરોની વિગતો આપતાં જણાવ્યું હતું કે,અમેરિકા 4,423 ડેટા સેન્ટરો ધરાવે છે, જેની ક્ષમતા 53 ગીગાવોટ છે. દુનિયાના ડેટા સેન્ટરોની ક્ષમતાના 44% સાથે યુ.એસ.એ. અત્યારે નેતૃત્વ કરે છે. યુ.કે.માં 555 ડેટા સેન્ટરો અને 2.5 ગીગાવોટની ક્ષમતા ધરાવે છે. ચીનમાં 369 ડેટા સેન્ટરો અને 31 ગીગાવોટની ક્ષમતા ધરાવે છે જે વૈશ્વિક ક્ષમતાના 26% એટલે ત્રીજો નંબરે છે. જ્યારે યુરોપ 11.9 ગીગાવોટ ક્ષમતા ધરાવે છે.જાપાન અને દક્ષિણ કોરિયા મળીને કુલ 6.6 ગીગાવોટ ક્ષમતા ધરાવે છે. જર્મની 523 ડેટા સેન્ટરો ધરાવે છે. અમેરિકા અને ચાઈના બંને ભેગા કરીએ તો 70 % ડેટા સેન્ટરો માત્ર આ બે દેશો પાસે છે. ડેટા સેન્ટરો એ આજના યુગના તેલના કૂવા (Oil Wells) છે ત્યારે ગુજરાત આ દિશામાં આગેકૂચ કરી રહ્યું છે.


