ગાંધીનગર, 1 જુલાઈ 2026 : LBD labs to be set up in 4700 government primary schools રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં એલબીડી લેબ. એટલે કે ડિઝાઈન ઈન્સ્ટ્રોલેશન એન્ડ મેઈન્ટેનન્સ ઓફ એજ્યુકેશન લેબ. સ્થાપવાનો સરકારે નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની અંદાજે 4,700 સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ‘Design, Installation and Maintenance of Educational Lab (LBD Lab)’ સ્થાપિત કરવામાં આવશે. આ માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સત્તાવાર સૂચનાઓ પાઠવવામાં આવી છે.
રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ડિજિટલ શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર શિક્ષા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ રાજ્યની અંદાજે 4,700 સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ‘Design, Installation and Maintenance of Educational Lab (LBD Lab)’ સ્થાપિત કરવામાં આવશે. Telecommunications Consultants India Limited (TCIL), નવી દિલ્હી દ્વારા પસંદ કરાયેલી એજન્સી શાળાઓમાં LBD Labની સ્થાપના, જરૂરી સાધનોની ઉપલબ્ધતા, જાળવણી તેમજ શિક્ષકોને તાલીમ આપવાની કામગીરી કરશે. લેબની કામગીરી માટે સંબંધિત શાળાઓએ એજન્સીને સંપૂર્ણ સહકાર આપવા પણ જણાવાયું છે.
લેબ શરૂ થાય તે પહેલાં શાળાઓમાં જરૂરી રૂમ ઉપલબ્ધ કરાવવા, વીજળી અને ઇન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધાઓ કાર્યરત રાખવા તેમજ તમામ સાધનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી શાળાની રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓને લેબનો અસરકારક ઉપયોગ કરાવી શકાય તે માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે અને તેના આધારે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. આ ઉપરાંત લેબ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓનલાઈન ટ્રેનિંગ, વિદ્યાર્થીઓ માટે ઉપયોગી શૈક્ષણિક સામગ્રી, વીડિયો કન્ટેન્ટ અને QR આધારિત માર્ગદર્શિકા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્ય સરકારનો હેતુ સરકારી શાળાઓમાં અભ્યાસને વધુ પ્રયોગાત્મક, ટેક્નોલોજી આધારિત અને ગુણવત્તાયુક્ત બનાવવાનો છે.


