અમદાવાદ, 2 જુલાઈ, 2026 : Heavy rainfall in the Sorath region. રાજ્યમાં આજે ગુરૂવારે બપોરના બે વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સોરઠ પંથક પર મેઘારાજા હેત વરસાવી રહ્યા છે. જુનાગઢના માંગરોળમાં 7.28 ઈંચ અને કેશોદમાં 5 ઈંચ, ગીરસોમનાથના સૂત્રાપાડામાં 5 ઈંચ, જુનાગઢના માળિયા હાટિના અને વંથલીમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વડોદરાના સિનોર, ગીર સોમનાથના પાટણ-વેરાવળ, કોડિનાર, ભરૂચના હાંસોટ, સુરના ઓલપાડ સહિત 80 તાલુકામાં ઝાપટાથી લઈને અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 107 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 7.99 ઇંચ ખાબક્યો છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 35 બકરા અને મહિલાઓ તણાયા હતા. જોકે, મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી.

સૌરાષ્ટ્રમાં આજે દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. તેના લીધે દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. દરિયામાં 3.6 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. હાલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. માછામારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.
રાજ્યમાં આજે સવારના 6થી 2 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે, વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર નજીક ગોઠણ સુધીના વરસાદી પાણી ભરાતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વાદળો ગોરંભાયા છે. અને ઉકળાટ વધતા ગમેત્યારે વરસાદ તૂટી પડશે એવું લાગી રહ્યું છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કર્યું છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે.
NDEM પોર્ટલ પરથી મળેલા INCOIS અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે હાઈ વેવ એલર્ટ (ઊંચા મોજા ઉછળવાની ચેતવણી) જાહેર કરવામાં આવ્યું છે. 2 જુલાઈના રોજ રાત્રે 11:30 વાગ્યાથી લઈને 3 જુલાઈના રોજ રાત્રે 11:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દરિયામાં 3.4થી 3.6 મીટર જેટલા ઊંચા એટલે કે, 11 ફૂટથી ઊંચા મોજા ઉછળવાની પ્રબળ શક્યતા છે. દરિયાની આ તોફાની સ્થિતિને જોતાં માછીમારો, દરિયાઈ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને દરિયાકાંઠે મનોરંજન માટે જતાં પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવા અને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.


