સુરેન્દ્રનગર, 14 સપ્ટેમ્બર, 2026 : Tarnetar folk festival begins today જિલ્લાના થાન તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળાનો આજે તા. 14 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. ‘સોડમ પુરાતન પાંચાળની’ થીમ સાથે યોજાનારા તરણેતર લોકમેળામાં ગામ-પરગામથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. ઋષિ પંચમીના દિવસે અઢીથી ત્રણ લાખ જેટલી જનમેદની મેળામાં ઉમટી પડે તેવી શક્યતા છે.
તરણેતરના ભાતીગળ લોકમેળાનો આજે સોમવારથી પ્રારંભ થશે, મેળાને માણવા માટે લોકો મોઠી સંખ્યામાં ઉમટી પડશે. આજે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવના પૂજન સાથે મેળાનો પ્રારંભ થશે. મેળાના ચોથના દિવસે રાસ, ગરબા, દુહા-છંદ અને લોકનૃત્યો સાથે મેળાની રંગત જામશે. ઋષિ પંચમીના દિવસે વહેલી સવારે તરણેતર કુંડ ખાતે ગંગા અવતરણ આરતી યોજાશે. ત્યારબાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવશે. કુંડમાં સ્નાન અને પિતૃઓનું તર્પણ કરવાનું પણ ધાર્મિક મહત્ત્વ છે.
તરણેતરનું નામ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે. સ્કંદપુરાણની માન્યતા મુજબ ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અહીં તપસ્યા કરી હતી. શિવલિંગની પૂજા દરમિયાન એક કમળ ઓછું પડતાં ભગવાન વિષ્ણુએ પોતાનું જમણું નેત્ર કમળ તરીકે અર્પણ કર્યું હતું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા અને વિષ્ણુનું નેત્ર પોતાના કપાળ પર ધારણ કર્યું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા અને સમય જતાં ત્રિનેત્રેશ્વર નામનું અપભ્રંશ થઈ ‘તરણેતર’ નામ પડ્યું હોવાની માન્યતા છે.
તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની તળપદી લોકસંસ્કૃતિની જીવંત ઝાંખી કરાવે છે. રંગબેરંગી ભરતકામ, આભલાં, મોતી, બટનીયાં અને ફૂમતા-રૂમાલથી શણગારેલી છત્રીઓ મેળાની શોભામાં વધારો કરે છે. માલધારી અને ગ્રામ્ય સમાજની જીવનશૈલી તથા પરંપરાઓ અહીં જીવંત જોવા મળે છે. અગાઉ બળદ અને બળદગાડાને શણગારવાની પરંપરા પણ મેળાનું વિશેષ આકર્ષણ હતી. મેળામાં લોકનૃત્ય અને સંગીતનો માહોલ પણ જોવા મળે છે. ભાદરવા સુદ ચોથના દિવસે યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળે છે. રાસ, ગરબા, દુહા અને છંદ સાથે ટીટોડો અને હૂડારાસ જેવા પરંપરાગત લોકનૃત્યો મેળાની આગવી ઓળખ છે. ત્રણ દિવસ સુધી ગામડાંમાંથી આવેલા લોકો અલગ-અલગ ઉતારામાં રોકાઈને મેળાની મજા માણતા હોવાની પરંપરા પણ રહી છે.


