પાલનપુર, 15 જુન, 2026 : Traffic problem caused by dumpers બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઇ ચાર રસ્તા પર રેતી ભરીને આવતા અને જતા ડમ્પરોને કારણે ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઈ છે. કસલપુરા-દુદાસણની બનાસ નદીમાંથી રેતી ભરીને આવતા ડમ્પરોને કારણે નાના વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ડમ્પરો ચારરસ્તા પર આડેધડ પાર્ક કરી દેતા હોવાથી શિહોરીથી પાટણ તરફ જતા અને આવતા નાના વાહનચાલકો ફસાય છે. ડમ્પર ચાલકોને કોઈ અધિકારીનો ડર ન હોવાથી તેઓ બેફામ રીતે વાહન ચલાવે છે અને પાર્ક કરે છે. દુદાસણ તરફ જવાના રસ્તાઓ પણ તૂટી ગયા છે. ત્યારે આ અંગે પોલીસ અને આરટીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી છે.
કાંકરેજ તાલુકાના કંબોઈ ચાર રસ્તા પર ડમ્પરોના આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકજામની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. ડમ્પરો બેફામ ઝડપે દોડતા હોવાથી અકસ્માતોનો ભય પણ રહે છે. હાલમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે કંબોઇ ચાર રસ્તાથી કંબોઇ ગાયત્રી હાઈસ્કૂલ અને નોઘણી પાટી શાળા સુધી નાના બાળકો અભ્યાસ માટે જાય છે. હાઈસ્પીડથી દોડતા આ ડમ્પરોને કારણે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મુકતા પણ ડરે છે. આ સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ, મામલતદાર કાંકરેજ, ખાણ ખનીજ વિભાગ પાલનપુર, આરટીઓ પાલનપુર અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા તપાસ કરાવી ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
લીઝ ધારકોએ કસલપુરા-દુદાસણથી કંબોઇ બ્રિજ સુધી નદીમાં ડમ્પરો માટે રસ્તો બનાવ્યો છે. જો આ તમામ ડમ્પરો નદીમાં બનાવેલા રસ્તાનો ઉપયોગ કરીને સીધા શિહોરી-પાટણ રોડ પર બ્રિજ પાસે નીકળે, તો કંબોઇ ગામ, કંબોઇ હાઈસ્કૂલ અને નોઘણી પાટી શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોને રાહત મળી શકે છે.


