Homeગુજરાતીગુજરાતગાંધીનગરના વલાદમાં એક મહિનાથી ઉભરાતી ગટરને લીધે રોગચાળાનો ભય

ગાંધીનગરના વલાદમાં એક મહિનાથી ઉભરાતી ગટરને લીધે રોગચાળાનો ભય

ગાંધીનગર, 15 જુન, 2026 : Fear of epidemic due to overflowing sewer જિલ્લાના વલાદ ગામમાં જૈન દેરાસર નજીક છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું છે. આ અંગે અનેકવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાંયે કોઈ પગલાં લેવાયા નથી. આથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરના વલાદ ગામમાં છેલ્લા એક મહિનાથી ગટરો ઊભરાઈને તેનું દૂષિત પાણી રસ્તાઓ પર ભરાયુ છે. ગટરના સતત ભરાયેલા દૂષિત પાણીથી રોગચાળો ફેલાવવાની દહેશત છે. આ અંગે ગ્રામજનોએ  ગ્રામ પંચાયત, સરપંચ અને સંબંધિત વિભાગો સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે. જોકે, માત્ર આશ્વાસનો મળ્યા છે અને સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ગામના  જૈન દેરાસર પાસે રસ્તા પર ગટરનું પાણી ફેલાઈ જતાં સમગ્ર વિસ્તાર ગંદકીથી ઘેરાઈ ગયો છે. દેરાસરમાં દર્શનાર્થીઓ, સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

વલાદ ગામની શેરીઓમાં ગટરના  ગંદા પાણીના સતત ભરાવાને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી આસપાસના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને સવાર-સાંજ આ દુર્ગંધ વધુ તીવ્ર બને છે. ગંદા પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ચેપી રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થયો છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક છે. રસ્તા પર પાણી ભરાયેલા રહેતા વાહનચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલી પડે છે. વરસાદી માહોલમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.

ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની સાથે લોકશાહી ઢબે આંદોલન પણ કરશે. વલાદ ગામના લોકોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક ગટરનું સમારકામ કરી ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને ગંદકી, દુર્ગંધ અને આરોગ્યના જોખમમાંથી મુક્તિ મળી શકે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular