રાજકોટ, 5 સપ્ટેમ્બર, 2026 : Vehicle can be transferred only if the name in the RC book and Aadhaar card is the same રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નીત-નવા નિયમોને કારણે અરજદારો પરેશાન થઈ રહ્યા છે. હવે આધાર કાર્ડ અને આર.સી. બૂકમાં એક સરખું નામ અને સરનેમ હોય તો જ વાહન માલિકનું નામ ટ્રાન્સફર થઈ શકે તેવા નિયમથી રાજ્યની આરટીઓ કચેરીમાં છેલ્લા એક મહિનાથી આરસી બુકમાં નામ ટ્રાન્સફરની પ્રક્રિયામાં ઘટાડો થયો છે. રાજકોટ RTO કચેરીમાં પણ અગાઉ જ્યારે દરરોજ નામ ટ્રાન્સફરની 250 જેટલી અરજી આવતી હતી, તેની સામે હવે સંખ્યા ઘટીને 35 થઈ ગઈ છે. એટલે કે, નામ ટ્રાન્સફર અરજીઓમાં 87%નો ઘટાડો થયો છે. આવી સ્થિતિ અમદાવાદ સહિત તમામ આરટીઓ કચેરીની છે.
રાજ્યમાં આધાર કાર્ડ અને આર.સી. બૂકમાં એક સરખું નામ અને અટકના નિયમથી વાહન વેચાણના સમયે આરસી બુકમાં નામ ટ્રાન્સફર માટે અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. આમ
ફેસલેસ નામ ટ્રાન્સફર ફરજિયાત કરવામાં આવતા અરજદારો પરેશાન થઈ ગયા છે. આ ઉપરાંત રાજકોટમાં HSRP નંબર પ્લેટ નંખાવવામાં પણ લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. દરરોજ 100 વાહનોની એચએસઆરપી નંબર પ્લેટ નખાવા માટેનો ઓર્ડર અપાય છે, પરંતુ તે નંબર પ્લેટ આવતા સમય લાગે છે.
આ અંગે રાજકોટના એઆરટીઓ આર. એમ.રાવલીયાએ જણાવ્યું કે, સામાન્ય રીતે રાજકોટ આરટીઓ કચેરી ખાતે દરરોજ 300 જેટલી અરજીઓ વાહનોમાં નામ ટ્રાન્સફર માટેની આવતી હોય છે. જોકે હાલ છેલ્લા એક મહિનાથી જે નવો નિયમ આવ્યો છે, તેના કારણે નોન ફેસલેસ અરજીઓ બંધ થઈ ગઈ છે. તમામ લોકોએ ફેસલેસ અરજી જ કરવાની છે, જેમાં આધારકાર્ડમાં જે નામ હોય તે જ નામ આર.સી. બુકમાં હોય તો ફેસલેસ અરજીઓ થાય જ છે.. હાલ આરટીઓ કચેરી લેવલે કોઈ પણ અરજીઓ પેન્ટિંગ નથી, પરંતુ વાહનચાલકો જ્યારે નામ ટ્રાન્સફર માટેની ઓનલાઈન અરજી કરે ત્યારે તેમાં આધારકાર્ડ અને આર.સી.બૂકમાં નામ ચેન્જ હોય તો અરજી થઈ શકતી નથી. નામ, સરનેમ અને પિતાના નામનો ક્રમ અલગ હોય તો અરજીઓ થઈ શકતી નથી. એ હકીકત છે અને આ બાબતે અમે અમારી વડી કચેરીને જાણ કરી છે.


