સુરત, 19 ઓગસ્ટ, 2026 : 5 family members suffer food poisoning; girl dies. શહેરના વરાછાની રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી મંગાવેલું કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધું હતું. ત્યાર પછી એકબાદ એક તમામની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રાતે દીકરી આર્યાનું મોત નિપજ્યુ હતુ, જ્યારે માતા-પિતા અને બે પુત્રી સદવિચાર હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે. આ બનાવની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીર નોંધ લઈને કડક પગલા ભરવા નિર્દેશ આપ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વરાછા વિસ્તારમાં રણુજાધામ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત અચાનક લથડી હતી. પરિવારના જણાવ્યા મુજબ, 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું શાક પાર્સલ કરાવીને ઘરે લઇ ગયા બાદ ભોજન લેતા પરિવારના સભ્યોની તબિયત બગડી હતી. એકબાદ એક તમામની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રાતે દીકરી આર્યાનું મોત થઈ ગયું, જ્યારે માતા-પિતા અને બે પુત્રી સદવિચાર હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે.આ ચારેય દર્દીઓના પ્રાથમિક મેડિકલ રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું સામે આવ્યું છે.
પીડિતના મોટાભાઈ ભૂપતભાઈ કળસરિયા (આહીર)એ જણાવ્યું કે, 15 ઓગસ્ટની રાત્રે મારા નાના ભાઈ અશોકભાઈ ચકુરભાઈ કળસરિયા પાર્સલ કરેલા શાકનું ગૂગલ પે દ્વારા પેમેન્ટ કર્યું હતું. રાત્રે ભોજન લીધા બાદ પરિવારની તબિયત બગડી હતી. આ મામલે સત્ય સામે લાવવા દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ. મારી પાસે ડિજિટલ પેમેન્ટ તેમજ ખરીદીના તમામ પુરાવા પણ છે.
આ બનાવ અંગે ACP પી.કે.પટેલે જણાવ્યું હતું કે, આ બનાવ સંદર્ભે વરાછા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. બાળકીના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ સંબંધિત એજન્સીઓને સાથે રાખીને રેસ્ટોરન્ટ અને ખાદ્ય સામગ્રી બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


