પાલનપુર, 17 એપ્રિલ 2026: Mastermind caught robbing elderly women વૃદ્ધ મહિલાઓને દર્શન કરાવવાના બહાને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને ઠગ દંપત્તી દ્વારા લૂંટ કરવામાં આવતી હતી રિઢા આરોપી દંપતી પૈકીના પતિને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. શેખ દંપતીએ રાજકોટ, વડોદરા, ગોધરા, અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આવી જ રીતે વૃદ્ધાઓને ભોળવી લૂંટ ચલાવી હતી.
બનાસકાંઠા એલસીબીએ વૃદ્ધ મહિલાઓને લૂંટતી ગેન્ગના એક આરોપીને દબોચી લીધો છે. ભગવાનના દર્શન કરાવીશું કહી વૃદ્ધ મહિલાઓને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લૂંટ ચલાવતી શેખ દંપતીની ટોળકીના પતિ ઈકબાલ કમરૂદ્દીન શેખને પાલનપુરમાંથી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે પત્ની સલમા ઉર્ફે સલીમા ઈકબાલ શેખ હજુ ફરાર છે. આ દંપતી ધાર્મિક સ્થળો પાસે વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતું હતું. કોઈ દંપતીને સંતાન થયાનું કહીં વિશ્વાસમાં લઈ દાગીના રૂમાલમાં મૂકાવી 100 ડગલાં નીચું જોઈ ચાલશો તો ભગવાનના દર્શન થશે કહી મહિલાઓને ભોળવતા અને દાગીના લઈને ફરાર થઈ જતા હતા. થોડા દિવસ પહેલાં પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીમાં ઉષાબેન ઓઝા પાસેથી રૂ.1.38 લાખના 5 તોલા જેટલા સોનાના દાગીના આ જ રીતે લૂંટાયા હતા. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી સોનાના દાગીના, બાઇક અને મોબાઇલ સહિત રૂ.5.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટોળકી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે.
આરોપી ઈકબાલ કમરૂદ્દીન શેખ સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગોધરા, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, કલોલ, રાજૂલા સહિતના પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ છેતરપિંડી, ચોરી અને વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાયા છે. તાજેતરમાં પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે છેતરપિંડી ગુનો નોંધાયો હતો. વર્ષ 2023માં પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. મહારાષ્ટ્રના મલાડ અને એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ 8 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યુ હતું.


