ગાંધીનગર, 19 એપ્રિલ 2026: Child dies after school wall falls જિલ્લાના માધવગઢમાં શુક્રવારે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહ નામના બાળકનું મોત નિપજતા ગ્રામજનો તંત્ર સામે રોષે ભરાયા છે. બાળકના મોત બાદ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે ન આવતા રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ નામના બાળક પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. શનિવારે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો હતો.
માધવગઢ ગામના ગ્રામજનોના કહેવા મુજબ શુક્રવારે સાંજે ક્રિકેટ રમી રહેલા 11 વર્ષીય બાળક પર અડધી તોડેલી સ્કૂલની દીવાલ કાળ બનીને ત્રાટકી હતી. આ ઘટનામાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તેમજ ગુનાહિત લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે છતાં પણ વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું છે. પરિવારે અને ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ મામલે કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં ન આવે અને તંત્રના જવાબદારો સામે પગલાં ન ભરાય ત્યાં સુધી તેઓ બાળકનો મૃતદેહ સ્વીકારશે નહીં.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પણ કલાકો સુધી લાશ પડી રહી છતાં વહીવટી તંત્રમાંથી કોઈ ઉચ્ચ અધિકારી પરિવારની વેદના સાંભળવા પહોંચ્યા નહોતા. ત્યારે પરિસ્થિતિ વણસતી જોઈ હોસ્પિટલ ખાતે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. એક તરફ રઘુનંદનના અકાળે અવસાનથી રાઠોડ પરિવારમાં આક્રંદ છવાયું છે. બીજી તરફ ન્યાય મેળવવા માટે તેમને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ધરણાં કરવાની નોબત આવી છે. ગામ લોકોનો એક જ સૂર છે કે આ માત્ર અકસ્માત નથી પણ તંત્ર દ્વારા કરવામાં આવેલી હત્યા છે અને દોષિતોને સજા અપાવ્યા વિના તેઓ પીછેહઠ કરશે નહીં. જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં.


