સુરત, 22 જુન, 2026 : Bihari man caught with 5.5 kg of ganja from rickshaw શહેરના કતારગામથી વરાછા તરફ જતા પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પરથી એક ઓટો રિક્ષામાંથી 5.5 કિલો ગાંજા સાથે CID ક્રાઈમની ANTF ટીમે એક બિહારી શખસને ઝડપી લીધો છે. પોલીસની પૂછતાછમાં એવી હકિકત જાણવા મળી છે કે, પકડાયેલો આરોપી મૂળ બિહારના ખાગડીયા જિલ્લાના જમાલપુરનો વતની છે અને હાલમાં તે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાલ નગરમાં સાઇબાબા મંદિરની સામે ભાડેથી રહેતો હતો. તે સુરત શહેરમાં રિક્ષા ચલાવવાની આડમાં આ નશાનો કાળો કારોબાર કરતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં નાર્કોટિક્સ પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ થતું અટકાવવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને વોચમાં હતી. આ દરમિયાન પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી કે કતારગામથી વરાછા તરફ જતા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પરથી એક રિક્ષામાં માદક પદાર્થનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર વોચ ગોઠવી દીધી હતી. બાતમીમાં જણાવ્યા મુજબની એક પીળા-લીલા રંગની ઓટો રિક્ષા ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવી લીધી હતી. પોલીસે અટકાવેલી ઓટો રિક્ષા નંબર: GJ-05-CZ-2171ની કાયદેસરની પ્રક્રિયા સાથે સઘન તલાશી લીધી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઘટનાસ્થળેથી જ રિક્ષા ચલાવતા આરોપી મોહમ્મદ અહેસાન અલી સન/ઓ મુખ્તાર શાહ ઉંમર વર્ષ 29ની ધરપકડ કરી લીધી હતી.
પકડાયેલો આરોપી મૂળ બિહારના ખાગડીયા જિલ્લાના જમાલપુરનો વતની છે અને હાલમાં તે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાલ નગરમાં સાઇબાબા મંદિરની સામે ભાડેથી રહેતો હતો. તે સુરત શહેરમાં રિક્ષા ચલાવવાની આડમાં આ નશાનો કાળો કારોબાર કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે રિક્ષામાંથી કુલ 5 કિલો 500 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. 2,75,500 થાય છે. ગુનામાં વાહન તરીકે ઉપયોગમાં લેવાયેલી પીળા-લીલા રંગની ઓટો રિક્ષા પણ જપ્ત કરાઈ છે, જેની કિંમત રૂ. 1,50,000 અંકાયા છે. આરોપી પાસેથી ઓપ્પો કંપનીનો ૧ નંગ સ્માર્ટફોન મળી આવ્યો છે, જેની કિંમત રૂ. 5,000 છે. આમ પોલીસે આ ઓપરેશન દરમિયાન કુલ રૂ. 4,30,500નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની તજવીજ શરૂ કરી છે.


