અમદાવાદ, 16 જુલાઈ 2026 : Rain gods showered blessings during Lord Jagannath’s Rath Yatra શહેરમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત ‘પહિંદ’ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા પરંપરાગત માર્ગે નીકળીને સરસપુર પહોંચતા મોસાળમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરિયાપુરમાંથી પસાર થતાં જ મેઘરાજાએ અમીછાંટણાં કરીને ભાવિકોને ભીંજવી દીધા હતા.
જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે અમદાવાદમાં નીકળી હતી. ‘નંદીઘોષ’માં બિરાજી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે સાથે ‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી અને ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી પણ બિરાજમાન થયા છે. ભગવાન ભક્તોના દ્વારે પહોંચ્યા ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. રથયાત્રા નિયત સમયથી એક કલાક મોડી ચાલી રહી છે. હર્ષોલ્લાસ સાથે જગન્નાથજીની રથયાત્રા નીકળી, ત્યારે મુસ્લિમ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે રથયાત્રાની શુભકામના પાઠવી. શાહપુરમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનું પણ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શાંતિદૂત ગણાતા સફેદ કબૂતરને આકાશમાં ઉડાવીને શાંતિનો સંદેશો અપાયો હતો.
રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. બપોરે 3 વાગ્યા સુધીમાં રથયાત્રામાં જોડાયેલા 15 લોકો બફારાને લીધે બેભાન થતા 108માં સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. રથયાત્રા મોડી ચાલતી હોવાથી કરતબબાજોને કરતબ કર્યા વગર જ આગળ વધારવામાં આવી રહ્યા છે. રથયાત્રા દરમિયાન પોલીસને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


