ગાંધીનગર, 17 સપ્ટેમ્બર, 2026 : GMC elections on October 11 રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી ઉપરાંત પાલિકા-પંચાયતની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી તેમજ પેટા ચૂંટણીઓ આગામી તા. 11 ઓક્ટોબરે યોજાશે. અને 13મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ગાંધીનગર, થરાદ અને ઓખા માટે 27 ટકા OBC અનામત મુજબ રોટેશન લાગુ કરવામાં આવશે.
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર મ્યુનિની ચૂંટણી સાથે જ ઓખા અને થરા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે. ઉપરાંત એક જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતની પેટાચૂંટણી પણ 11મી ઓક્ટોબરે જ યોજાશે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના 11 વોર્ડની 44 બેઠક માટેની ચૂંટણી આગામી તા. 11 ઓક્ટોબરે યોજાશે. 26 સપ્ટેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 28મીએ ફોર્મની સ્ક્રુટિની કરાશે. 29 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. 11મી ઓક્ટોબરે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને 13મીએ મતગણતરી હાથ ધરાશે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 11 વોર્ડમાં કુલ 2,59,443 મતદારો નોંધાયા છે. જેમાં 1,32,285 પુરુષ, 1,27,149 મહિલા અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી EVMથી યોજાશે. ચૂંટણી માટે 730 B.U. અને 364 C.U.ની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી લડનારા ઉમેદવારો માટે પણ મહત્વની જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટે નવું બેંક એકાઉન્ટ ખોલવાનું રહેશે. સાથે જ સ્ટાર પ્રચારકોની સંખ્યા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. 20 અને 10 સ્ટાર પ્રચારકોની મર્યાદા રાખવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ઓખા અને બનાસકાંઠાના થરા નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે મહેસાણાના ખેરાલુ, છોટાઉદેપુર અને અરવલ્લીના બાયડમાં એક-એક ખાલી બેઠક માટે ચૂંટણી યોજાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની એક બેઠક તેમજ રાજકોટના પડધરી, મહેસાણાના સતલાસણા અને પાટણના હારીજ તાલુકા પંચાયતની એક-એક બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી માટે કુલ 304 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. તેમાંથી 129 સંવેદનશીલ અને 6 અતિ સંવેદનશીલ મતદાન મથકો રહેશે. ચૂંટણી પ્રક્રિયા માટે 5 R.O. અને 5 A.R.O.ની વ્યવસ્થા કરવામાં આવી છે.


