ભૂજ, 19 સપ્ટેમ્બર, 2026 : Checking to check food quality in 12 hostels કચ્છમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનની ગુણવત્તા અને રસોડાની સ્વચ્છતા અંગે 12 હોસ્ટેલોમાં આ સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. તપાસ દરમિયાન ભોજન બનાવવાની પ્રક્રિયા, રસોડાની સ્વચ્છતા અને ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
કચ્છમાં ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં આવેલી વિદ્યાર્થીઓની હોસ્ટેલની મેસમાં ભોજનમાં ગુણવત્તાને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કચ્છ યુનિવર્સિટીનું અન્નપૂર્ણા ભવન, સરકારી બોયઝ હોસ્ટેલ, અદાણી મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હોસ્ટેલો, ભચાઉની લેવા પટેલ બોર્ડિંગ અને માંડવીની વીરાયતન જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે સીધો સંબંધ હોવાથી, હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા અને ભોજનની ગુણવત્તા જળવાઈ રહે તે પર ખાસ ધ્યાન અપાયું હતું. FDCAની ટીમે વિવિધ સ્થળોએથી લગભગ 10 ખાદ્ય નમૂના લીધા હતા. આ નમૂનાઓને જરૂરી તપાસ અને ગુણવત્તા ચકાસણી માટે મોકલાયા છે. પરીક્ષણના પરિણામો આવ્યા પછી આગળની કાર્યવાહી નક્કી કરાશે.
ચેકિંગ દરમિયાન, રસોઈ બનાવતા અને ભોજન પીરસતા કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રસોડાના કર્મચારીઓએ માથા પર કેપ કે ટોપી, હાથમાં ગ્લોવ્ઝ અને સ્વચ્છ એપ્રોનનો ઉપયોગ કરવો ફરજિયાત હોવાનું જણાવાયું હતું.
આ સિવાય, ભોજનમાં દૂષિત પાણીનો ઉપયોગ ન થાય, કૃત્રિમ રંગોનો બિનજરૂરી ઉપયોગ ટાળવામાં આવે અને વાસી કે બગડેલા શાકભાજી તથા ચટણી જેવી સામગ્રી વાપરવામાં ન આવે તે અંગે પણ કડક સૂચનાઓ અપાઈ હતી.


