Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં આજે 93 પ્રગતિશીલ ખેડૂતોને શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ અપાશે

ગાંધીનગરમાં આજે 93 પ્રગતિશીલ ખેડૂતોને શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ અપાશે

ગાંધીનગર, 3 ઓક્ટોબર, 2026 : 93 progressive farmers to be awarded Shrestha Atma Farmers  ગાંધીનગર ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે તા. ૩ ઓક્ટોબરના રોજ રાજ્ય કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’ વિતરણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી  જીતુ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રી  રમેશ કટારા પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

આ સમારોહ દરમિયાન રાજ્યના કુલ ૯૩ પ્રગતિશીલ ખેડૂતોને ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. જેમાં ૧૦ ખેડૂતોને રાજ્ય કક્ષાના અને ૮૩ ખેડૂતોને જિલ્લા કક્ષાના એવોર્ડ એનાયત કરાશે. આ પુરસ્કારો પૈકી ૧૫ એવોર્ડ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે, ૪૫ એવોર્ડ ફળ-ફૂલ તથા શાકભાજીની ખેતી ક્ષેત્રે, ૧૫ એવોર્ડ પશુપાલન ક્ષેત્રે અને ૮ એવોર્ડ મૂલ્ય વર્ધિત ઉત્પાદનો, પેકિંગ તથા અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવશે.

“ખેડૂતથી બજાર અને બજારથી ગ્રાહક” સુધીની કડીને સુદૃઢ કરવાના હેતુથી રાજ્યભરમાં આશરે ૧૦૦ જેટલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં નગરપાલિકા/મહાનગરપાલિકા મથકોએ ૨૪, જિલ્લા મથકોએ ૧૮ અને તાલુકા મથકોએ ૫૮ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આનાથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય પ્લેટફોર્મ મળશે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ બનશે.

ખેતીમાં આધુનિક સેટેલાઇટ અને જિયો-સ્પેશિયલ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે MoU કરવામાં આવશે. આ ટેકનોલોજીથી ખેડૂતોને વાવેતરથી લઈને લણણી સુધીની વિવિધ એડવાઇઝરી, પાકવાર વિસ્તારનો અંદાજ, ઉત્પાદન અંદાજ અને પાક નુકસાન મૂલ્યાંકન જેવી મહત્વપૂર્ણ માહિતી સમયસર મળી રહેશે.

આ ઉપરાંત, કૃષિ વિસ્તરણ સેવાઓને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે મદદનીશ ખેતી નિયામક (વર્ગ-૨) તરીકે પસંદગી પામેલા ૧૪ નવનિયુક્ત અધિકારીઓને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular