વડોદરા, 4 ઓક્ટોબર, 2026 : Explosion while filling CNG into car at pump on National Highway અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કરજણ નજીક જિંદાલ કંપનીની સામે આવેલા પેટ્રોલ-સીએનજી પંપ પર કારમાં સીએનજી ભરાવતી વખતે પ્રચંડ ધડાકા સાથે કારની ગેસ ટેન્ક ફાટતાં પંપ પર હાજર લોકો અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ધડાકો એટલો શક્તિશાળી હતો કે કારના પતરાં અને કાચ દૂર સુધી ઊડીને પડ્યા હતા અને આસપાસ ઊભેલા અન્ય બે વાહનોમાં પણ નુકસાન પહોંચ્યું હતું. જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.
આ બનાવની વિગત એવી છે કે, નેશનલ હાઈવે પર કરજણ પાસે જિંદાલ કંપનીની સામે આવેલા એક પેટ્રોલ-સીએનજી પંપ પર એક કાર સીએનજી ભરાવવા માટે આવી હતી. પેટ્રોલ પંપનો કર્મચારી જ્યારે નોઝલ લગાવીને ગેસ ભરી રહ્યો હતો અને કારની આગળ બે લોકો ઊભા હતાં, ત્યારે જ અચાનક કોઈ ટેકનિકલ ખામી કે અતિશય પ્રેશરને કારણે સીએનજી ટેન્ક ધડાકાભેર ફાટી હતી. વિસ્ફોટથી કારના પાછળના ભાગનો ફુરચો બોલી ગયો હતો.
નિયમ મુજબ સીએનજી પુરાવતી વખતે મુસાફરો કારની બહાર ઊભા હોવાને કારણે કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી, જેને પગલે સૌએ રાહતનો દમ લીધો છે. ધડાકાની માહિતી મળતાં જ કરજણ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ કોઈ આગ કે કેમિકલ સ્પાર્ક ન થાય તે માટે તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા. પોલીસે પણ સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી પંપ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ચકાસવાની કાર્યવાહી હાથ ધરી હતી.


