અમદાવાદ, 25 ઓક્ટોબર, 2026 : Kalupur Railway Station Platforms 9 to 12 to be operational during the week શહેરના કાળુપુર રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે મહિનાઓથી 9થી 12 નંબરના પ્લેટફોર્મ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. તેથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડતી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થતા તેમજ પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું કામ પૂર્ણ થતા હવે દીવાળી પહેલા જ એટલે કે એક સપ્તાહમાં જ પ્લેટફોર્મ નંબર 9થી 12 ચાલુ કરી દેવાશે. આ નવા ચારેય પ્લેટફોર્મ શરૂ થતાં દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓની વધતી ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે, જ્યારે રેલવે દ્વારા ટ્રેક, ઓવરહેડ અને સિગ્નલ સિસ્ટમની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ 27 ઓક્ટોમ્બરે કમિશનર ઑફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.
પશ્વિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સૂત્રોના કહેવા મુજબ શહેરના કાળુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પ્લેટફોર્મ નંબર 9થી 12ને ફરી શરૂ કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. અગાઉ એપ્રિલમાં પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સમયમર્યાદા વધારી ઑગસ્ટ કરવામાં આવી હતી. જોકે, ટેક્નિકલ કારણોસર કામગીરીમાં વિલંબ થતાં દિવાળી પહેલાં ચારેય પ્લેટફોર્મ શરૂ કરવાનો લક્ષ્યાંક છે. તેમજ પ્લેટફોર્મ નંબર 9 પર બ્લોક હોવાથી તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.
કાળુપુર રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં હોવાથી આ ત્રણેય પ્લેટફોર્મ પર ટ્રેન વ્યવહાર શરૂ કરતાં પહેલાં CRSનું નિરીક્ષણ જરૂરી છે. નિરીક્ષણ અને જરૂરી મંજૂરી બાદ પ્લેટફોર્મ શરૂ કરવાનો માર્ગ મોકળો થશે. આ ચારેય પ્લેટફોર્મ શરૂ થયા બાદ રેલવે દ્વારા પ્લેટફોર્મ નંબર 4થી 7 પર બ્લોક લેવામાં આવશે. નવા પ્લેટફોર્મ ઉપલબ્ધ થતાં ટ્રેનોના સંચાલનમાં જરૂરી ફેરફાર કરીને જૂના પ્લેટફોર્મ પર કામ કરવાની જગ્યા મળશે.


