Homeગુજરાતીગુજરાતએશિયન પેરા ગેમ્સ 2026માં ગુજરાતનો દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં જીત્યા 8 મેડલ

એશિયન પેરા ગેમ્સ 2026માં ગુજરાતનો દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં જીત્યા 8 મેડલ

ગાંધીનગર, 25 ઓક્ટોબર, 2026 : Gujarat dominates Asian Para Games 2026 જાપાનના આઇચી પ્રીફેક્ચર અને નાગોયા શહેરમાં આયોજિત પાંચમી એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સહિત કુલ આઠ મેડલ જીત્યા છે.

સાબરકાંઠાનાં અંજનાબેન રોહિત બુંબડિયાએ પેરા એથ્લેટિક્સની મહિલા 400 મીટર T47 સ્પર્ધા 59.97 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીત્યો. તેમની આ સિદ્ધિએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

સાબરકાંઠાનાં જ તેજલબેન અમરજી ડામોરે પેરા એથ્લેટિક્સમાં બે મેડલ જીતીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે મહિલા 400 મીટર T12 સ્પર્ધા 57.60 સેકન્ડમાં પૂર્ણ કરીને સિલ્વર મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત, મહિલા 200 મીટર T12 સ્પર્ધા 25.23 સેકન્ડમાં પૂર્ણ કરીને બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે.

ગાંધીનગરનાં નિમિષા સી.એસ.એ પેરા એથ્લેટિક્સની લોંગ જમ્પ T47 સ્પર્ધામાં 5.37 મીટરનું અંતર કાપીને સિલ્વર મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નિમિષાબેનને એશિયન ગેમ્સ 2023માં ભાગ લેવા બદલ ₹5 લાખની નાણાકીય સહાય આપવામાં આવી હતી. નિમિષાબેનને હાંગઝોઉ, ચીન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2023માં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ₹30 લાખની સહાય આપવામાં આવી હતી.

પેરા ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સ ક્લાસ 4–5 સ્પર્ધામાં મહેસાણાનાં ભાવિનાબેન હસમુખભાઈ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અર્જુન અવૉર્ડી ભાવિનાબેન અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે. રાજ્ય સરકાર દ્વારા તેમને એશિયન ગેમ્સ 2023માં ભાગ લેવા બદલ ₹5 લાખ અને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભાગ લેવા બદલ ₹10 લાખની નાણાકીય સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત, હાંગઝોઉ, ચીન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2023માં મેડલ જીતવા બદલ રાજ્ય સરકાર દ્વારા ભાવિનાબેનને ₹50 લાખની નાણાકીય સહાય આપવામાં આવી હતી.

અમદાવાદનાં સોનલબેન મનુભાઈ પટેલે પેરા ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સ ક્લાસ 3 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમને એશિયન ગેમ્સ 2023 અને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભાગ લેવા બદલ અનુક્રમે ₹5 લાખ અને ₹10 લાખની સહાય આપવામાં આવી હતી.

ભાવનગરના રાકેશ ધનજીભાઈ ભટ્ટે પેરા એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેમણે પુરુષોની 100 મીટર T37 સ્પર્ધા 11.50 સેકન્ડમાં અને 200 મીટર T37 સ્પર્ધા 23.64 સેકન્ડમાં પૂર્ણ કરીને બંને સ્પર્ધાઓમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. તેમને એશિયન ગેમ્સ 2023માં ભાગ લેવા બદલ ₹5 લાખની નાણાકીય સહાય આપવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular