Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં એક મહિનામાં ટાઈફોડના 194, ડેન્ગ્યુના 513, કેસ નોંધાયા

અમદાવાદમાં એક મહિનામાં ટાઈફોડના 194, ડેન્ગ્યુના 513, કેસ નોંધાયા

અમદાવાદ, 03 નવેમ્બર, 2026 : 194 cases of typhoid, 513 cases of dengue reported in one month શહેરમાં છેલ્લા એક મહિનાથી ગરમી અને ઠંડી મિશ્રિત વાતાવરણને લીધે વાયરલ વાયરલ ઇન્ફેક્શન, તાવ અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. એએમસીના આરોગ્ય વિભાગના કહેવા મુજબ  ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના 513, સાદા મેલેરિયાના 63 અને ઝેરી મેલેરિયાના 15 કેસ નોંધાયા છે. જો કે દીવાળીના તહેવારો નજીક આવતા જ  મચ્છરજન્ય રોગોના કેસમાં ઘટાડો થયો છે.

અમદાવાદ મ્યુનિના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં શહેરમાં ઝાડા-ઊલટીના 167 અને ટાઇફોઇડના 194 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત કમળાના 42 અને ચિકનગુનિયાના બે કેસ પણ સામે આવ્યા હતા. બદલાતી ઋતુને કારણે વાયરલ બીમારીઓના કેસમાં વધારો થયો છે. વાયરલના દરરોજ અંદાજે 700 કેસ નોંધાતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા AMCના હેલ્થ વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવાની અને લોહીના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં આશરે 7,500 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 20 સ્થળોના પાણીના સેમ્પલ અનફિટ જાહેર થયા છે. પાણીની ગુણવત્તા જાળવવા માટે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, શહેરમાં  હાલમાં મચ્છરજન્ય રોગોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયરલ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. તેમ છતાં, નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. ઘરની આસપાસ પાણીનો ભરાવો થવા ન દેવો, પીવાનું શુદ્ધ પાણી વાપરવું અને તાવ સહિતનાં લક્ષણો જણાય તો સમયસર સારવાર લેવી જરૂરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular