ભૂજ, 24 એપ્રિલ 2026: TAT exam center not allotted in Kutch શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષા આગામી તા. 3જી મેના રોજ લેવાશે. આ પરીક્ષા માટે કચ્છ જિલ્લાને કેન્દ્ર ફાળવવામાં આવ્યુ નથી. આથી કચ્છના ઉમેદવારોને ટાટની પરીક્ષા આપવા માટે અમદાવાદ સુધી લાંબા થવું પડશે. 3જી મેના રોજ નીટની પણ પરીક્ષા યોજાશે તેમજ આ જ દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL મેચ પણ રમાશે. તેથી અમદાવાદમાં પરીક્ષાર્થીઓ અને મેચ જોવા બહારગામથી આવનારાઓનો ધસારો વધશે. જેથી કચ્છના યુવાનો માટે હાલાકી વધશે તેવી શક્યતા અત્યારથી વ્યક્ત કરાઇ રહી છે.
સૂત્રોના કહેવા મુજબ તાજેતરમાં લેવાયેલી ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં કેન્દ્ર હોવાથી કચ્છથી ગયેલા ઉમેદવારો ટ્રેન અને બસોમાં ઉભા ઉભા મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. અનેક યુવાનોને રહેવા-જમવાની સગવડ ન મળતા તેઓ રઝળી પડ્યા હતા. હવે ફરી એકવાર 3 મેના રવિવારે TAT અને NEET પરીક્ષા અને IPL મેચના કારણે અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ આવશે અને આવા સમયે કચ્છથી જતી બસો હાઉસફુલ હશે અને ખાનગી વાહનોના ભાડા આસમાને પહોંચશે, જેની સીધી અસર મધ્યમ વર્ગના યુવાનો પર પડશે.
કચ્છના ટાટના ઉમેદવારોએ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ મંત્રી પોતે કચ્છના છે. જો પોતાના જ જિલ્લાના મંત્રી યુવાનોને ન્યાય અપાવી ન શકતા હોય અને સ્થાનિક કેન્દ્ર ફાળવી ન શકતા હોય, તો અન્ય પાસે શું અપેક્ષા રાખવી? શિક્ષકો રાષ્ટ્રના ઘડવૈયા છે, પણ તંત્ર તેમને રસ્તા પર રઝળાવવા માંગે છે. કચ્છ ભૌગોલિક રીતે મોટો જિલ્લો છે. અહીંથી અમદાવાદ પહોંચવા માટે 8 થી 10 કલાકની મુસાફરી કરવી પડે છે. પરીક્ષાના ટેન્શન વચ્ચે આટલી લાંબી મુસાફરી અને શહેરમાં ટ્રાફિકની અવ્યવસ્થા ઉમેદવારોના માનસિક સ્વાસ્થ્ય અને પરિણામ પર પણ અસર કરે છે. યુવાનોની એક જ પ્રબળ માગ છે કે સરકારે કચ્છમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવું જોઈએ.


