વડોદરા, 16 જુન, 2026 : Fire in dumper filled with sand જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક નારેશ્વર જતા મુખ્ય રોડ પર રેતી ભરેલા ડમ્પરમાં આગ લાગતા અન્ય વાહનચાલકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ડમ્પરનો ચાલક એન્જિનમાંથી ધૂંમાડો નીકળતા જોતા ડમ્પરમાંથી કૂદીને બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. કરજણ ફાયરે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક નારેશ્વર જતા મુખ્ય રોડ પર બોડેલીથી રેતી ભરીને સુરત તરફ જઈ રહેલા ડમ્પરમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું.
આ બનાવમાં સદનસીબે ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો છે. ડમ્પરના એન્જિનમાંથી ધૂમાડો નીકળતા જોતા જ ડમ્પરચાલક કૂદીને બહાર નીકળી ગયો હતો. રોડ પર પસાર થતાં અન્ય વાહનચાલકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો દોડી ગયો હતો. આગ લાગવાથી રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


