અમદાવાદ, 14 સપ્ટેમ્બર, 2026 : Many areas flooded due to rain શહેરમાં રવિવારે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતાં શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા. તેના લીધે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. જ્યારે શહેરના ખાડિયા વિસ્તારમાં એક જૂનું મકાન ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જોકે, ફાયરની ટીમે તાત્કાલિક આ 4 લોકોનું રેસ્ક્યૂ કરી 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
શહેરના પૂર્વ અને પશ્ચિમ બન્ને ઝોનના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરના એસજી હાઈવે, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, બોડકદેવ, મણિનગર અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાયા હતા. શહેરના કુંબેરનગર ITI અંડરપાસ અને નરોડાના ઉમા સ્કૂલ રોડ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કર્યો હતો.
શહેરમાં સૌથી વધુ વરસાદ પૂર્વ વિસ્તારમાં હંસપુરા- એસ.પી. રીંગરોડ પર એક જ કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે નરોડા, મુઠીયા, નવા નરોડા, નિકોલ, હરીદર્શન ચાર રસ્તા, મોટેરા, ચાંદખેડા, રાણીપ, ન્યુ રાણીપ, માધુપુરા અને દૂધેશ્વર વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોતા, એસ.જી. હાઇવે, ચાંદલોડિયા, જોધપુર, સેટેલાઈટ શિવરંજની, આશ્રમરોડ નવરંગપુરા, રામોલ, કઠવાડા, સહિતના વિસ્તારોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.


