અમદાવાદ, 14 સપ્ટેમ્બર, 2026 : Rain lashed 233 talukas in Gujarat રાજ્યમાં રવિવારે 233 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ બોટાદના બરવાળામાં 3.39 ઈંચ, વલસાડના કપરાડા 3.35 ઈંચ, વાસંદામાં 3.23 ઈંચ, સુરતના ઉંમરપાડામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 47 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દીવના દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયો તોફાની બનતા જાફરાબાદના બંદરે ભયજનક ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મોરબીના હળવદ તાલુકાના માથક ગામે માધવ ગોકળભાઈની વાડીએ મજૂરી કામ કરી રહેલા શ્રમિક મહિલા અને તેના બાળક પર વીજળી પડતા 28 વર્ષીય મનકુબેન નાયક અને 4 વર્ષીય પુત્ર શ્યામ નાયકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ગુજરાતમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના હવામાન વિભાગે 15મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે રવિવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. રાજ્યમાં આ સિઝનમાં જ્યાં સૌથી વધુ વરસાદની ઘટ છે એવા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 14મીને સોમવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં રવિવારે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં વરસાદને લીધે નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જ્યારે ખાડિયા ચાર રસ્તા પાસે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થયું હતું. જેમાં ચાર લોકો દટાયા હતા. ફાયરે જાનવી રાણા, પાર્થ રાણા, આશાબેન અને સોનલ બેનને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં 15મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદના સંયોગો સર્જાયા છે. 14 અને 15 સપ્ટેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. એ સાથે જ પવનની ગતિ 60થી 70 કિમિ ઝડપે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.


