અમદાવાદ, 6 જુલાઈ, 2026 : Pending issues of polytechnic college faculty members. રાજ્યમાં સરકારી પોલિટેકનીક કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે પોલિટેકનીક અધ્યાપક મંડળ દ્વારા ટેકનિકલ શિક્ષણ કચેરીને પત્ર લખીને રજુઆત કરી છે. જેમાં અટવાયેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ કરવા અને તમામ સરકારી પોલિટેકનિકમાં નિયમિત આચાર્યની નિમણૂક કરવા સહિત વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે માગણી કરવામાં આવી છે. મંડળ દ્વારા અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા હજુ સુધી ઘણાબધા પ્રશ્નોનોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી વહેલી તકે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાતની સરકારી પોલિટેકનિક કોલેજોના વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા શિક્ષણ મંત્રી તેમજ ટેકનિકલ શિક્ષણ કચેરીને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે. મંડળ દ્વારા પત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ડિપ્લોમા પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ અને રોજગાર ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ DRDO, ISRO સહિતની વિવિધ સંસ્થાઓમાં મહત્વની સેવાઓ આપી રહ્યા છે. ટેકનિકલ શિક્ષણનો પાયો મજબૂત બનાવતા અધ્યાપકોના અનેક પ્રશ્નો વર્ષોથી ઉકેલાયા નથી. જેથી ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ માટે જરૂરી માનવબળ, બઢતી અને ભરતી જેવી બાબતોમાં વિલંબ થવાને કારણે શિક્ષણ વ્યવસ્થા પર સીધી અસર પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યની 32 સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાંથી માત્ર એક જ સંસ્થામાં નિયમિત આચાર્ય કાર્યરત છે, જ્યારે બાકીની સંસ્થાઓમાં ઇન્ચાર્જ વ્યવસ્થા હેઠળ જ કામગીરી ચાલી રહી છે.
સરકારી પોલિટેકનીક કોલેજોમાં આચાર્ય, વિભાગિય વડા તથા વ્યાખ્યાતાની ખાલી જગ્યાઓના કારણે શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર ભાર વધી રહ્યો છે. વર્ગ 1 અને વર્ગ 2ની તમામ ખાલી જગ્યાઓ નિયમિત ભરતી દ્વારા ભરવા અને વર્ગ 2ની લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ પર તાત્કાલિક નિમણૂક કરવાની તેમજ GPSC દ્વારા ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ નવી સ્ટ્રીમ અને વધતા વિદ્યાર્થીઓના પ્રવેશને ધ્યાનમાં રાખીને વધારાની મંજૂર જગ્યાઓ ઉભી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. વર્ષોથી અટવાયેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ કરવા, ઉચ્ચ પદો પર સમયસર પ્રમોશન આપવા, વિવિધ કેડરના શિક્ષકોને મળવાપાત્ર લાભોનો અમલ કરવાની પણ માંગ કરવામાં આવી છે.


