ભૂજ, 17 જુન, 2026 : Traders troubled by power cuts અંજાર શહેરમાં બપોરના ટાણે જ વીજળી પુરવઠો ખોરવાતા અસહ્ય ગરમી અને ઉકળાટને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. વીજકાપની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. ત્યારે અંડરગ્રાઉન્ડ કેબલ વાયરિંગ, ડી.પી. બદલવા અને અવારનવાર આવતા પાવર કટ જેવી ગંભીર સમસ્યાઓ અંગે કોઈ ઉકેલ ન આવતા વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.વેપારીઓએ રેલી સ્વરૂપે પીજીવીસીએલની કચેરીએ પહોંચીને વીજ અધિકારીઓને રજુઆત કરી હતી.
અંજાર શહેરમાં મુખ્ય બજારમાં સળંગ દોઢ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને રોષે ભરાઈને પગપાળા જ પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા. કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી વેપારીઓએ ત્યાં જ રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વેપારીઓની રામધૂન અને વિરોધ બાદ મુખ્ય કાર્યપાલક ઇજનેર વિજય ગામિતી ત્યાં દોડી આવ્યા હતા. તેમની સમક્ષ વેપારીઓએ રોષપૂર્ણ રજૂઆત કરી હતી. બચાવમાં અધિકારીએ એવો જવાબ આપ્યો હતો કે, “અન્ય જગ્યાએ રિપેરિંગનું ઉપરથી પ્રેશર હતું, તેથી પહેલા ત્યાં રિપેરિંગ કરાયું.” આ ઉડાઉ જવાબ સાંભળીને વેપારીઓ અત્યંત ક્રોધે ભરાયા હતા. તેમણે અધિકારીને ખખડાવતા રોકડું સંભળાવ્યું હતું કે, “અમે છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ, અનેક વેપારીઓ અહી ધક્કા ખાઈ ચૂક્યા છે છતાં કોઈ ઉકેલ નથી,
વેપારીઓના આ ભારે આક્રોશ અને એકતા સામે આખરે તંત્રને ઝૂકવું પડ્યું હતું. જવાબદાર અધિકારીઓએ વેપારીઓના તમામ મુદ્દાઓ સ્વીકારી લીધા હતા અને આગામી 30 જૂન, 2026 સુધીમાં બજારની લાઈટની સમસ્યાનું 100 ટકા નિરાકરણ (સોલ્યુશન) લાવી આપવાની લેખિતમાં ખાતરી આપવામાં આવી હતી. વેપારી મંડળે તંત્રને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો 30 તારીખ સુધીમાં આ સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે, તો તમામ વેપારીઓ એકજૂથ થઈને આગળની રણનીતિ ઘડશે અને જલદ આંદોલન છેડવા મજબૂર બનશે.


