HomeગુજરાતીગુજરાતMPથી 4.5 કરોડના MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા 3 શખસો નરોડાથી પકડાયા

MPથી 4.5 કરોડના MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા 3 શખસો નરોડાથી પકડાયા

અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026 : 3 people caught with MD drugs worth Rs 4.5 crore રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ તંત્ર એલર્ટ બન્યુ છે ત્યારે, અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે નરોડોના હંસપુરા વિસ્તારમાં વોચ રાખીને  મધ્ય પ્રદેશથી આવી રહેલા કારને રોકીને તપાસ કરતા કારની મ્યુઝિક સિસ્ટમમાં બનાવેલી ખાસ જગ્યામાં સંતાડેલા MD ડ્રગ્સના મોટા જથ્થાને પકડી પાડ્યો હતો. પોલીસે એમપીથી ડ્ર્ગ્સની ડિલિવરી કરવા આવેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ 939.81 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 4.5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું પોલીસનું અનુમાન છે.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ડ્રગ્સની ડિલિવરી કરવા માટે મધ્ય પ્રદેશથી કારમાં 3 શખસો આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. આથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નરોડાના હંસપુરામાં વોચ ગોઠવી હતી. દરમિયાન પૂર ઝડપે કાર આવતા કારને રોકી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં કારની મ્યુઝિક સિસ્ટમની અંદર બનાવવામાં આવેલી ખાસ જગ્યામાં સંતાડેલો ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં સવાર ત્રણ શખ્સોને ઝડપી પાડી તેઓની પૂછપરછ સાથે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસને કારમાંથી મળી આવેલા MD ડ્રગ્સની માત્રા કુલ 939.81 ગ્રામ છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 4.5 કરોડ રૂપિયા અંકાઈ છે. જ્યારે પકડાયેલા ત્રણ આરોપીઓ આ કરોડો રૂપિયાનાં MD ડ્રગ્સને મધ્યપ્રદેશના મંસૌર જિલ્લાના વતની ઇમરાન ઉર્ફે લાલા પઠાણ પાસેથી લઈ અમદાવાદ પહોંચ્યા હોવાનું જણાવ્યુ હતુ. જેથી હાલ ઇમરાન ઉર્ફે લાલા પઠાણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે. જ્યારે ડ્રગ્સ સાથે પકડાયેલ ત્રણેય શખ્સોની ઓળખ અસલમ પિંજરા, ઇમરાન મનુસરી અને શહેઝાદ મનુસરી તરીકે થઈ છે. અસલમ ડ્રાઇવિંગનું કામ કરતો હતો, જ્યારે ઇમરાન ગેરેજમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્રીજો આરોપી શહેઝાદ હાલ બેરોજગાર છે. ત્રણેયની પૂછપરછમાં તેઓ અગાઉ પણ પાંચથી છ વખત ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યા હોવાનું અને એક ટ્રીપ માટે દરેક આરોપીને વ્યક્તિગત રીતે 10 હજાર રૂપિયા મળતા હોવાનું સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચે હાલ આ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ મધ્યપ્રદેશના વોન્ટેડ આરોપી સહિત ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ કરી રહી છે. અમદાવાદમાં નશાના કારોબાર સામે ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ડ્રગ્સ સપ્લાય નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular