અમદાવાદ, 15 મે 2026: Driver dies after bike hits divider શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. ગઈકાલે મોડી રાતે રેલવે ઓવરબ્રિજ પર બાઈકચાલક પૂરફાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે બ્રિજના વળાંકમાં બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ડિવાઇડર સાથે અથડાયું હતું અને બાઈક ચાલક બ્રિજ પરથી નીચે પડતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. છેલ્લા 10 દિવસમાં બલોલનગર બ્રિજના વળાંક પર અકસ્માતનો આ બીજો બનાવ છે. ઓવર બ્રિજ સર્પાકારે એવો બનાવવામાં આવ્યો છે. કે પૂર ઝડપે વાહનચાલકો બ્રિજના વળાંકમાં કાબુ ગુમાવી દે છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ગણેશ પ્લાઝામાં મહેશભાઈ પંચાલ તેમના પરિવાર સાથે રહે છે. મહેશભાઈની સાથે તેમના નાનાભાઈ અતુલભાઇ પણ રહે છે અને તેઓ ગાંધીનગર ખાતે આવેલી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરતા હતા. ગઇકાલે મોડી રાત્રે મહેશભાઈ અને તેમનો પરિવાર ઘરે સુતા હતા ત્યારે રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ પાડોશમાં રહેતા વ્યક્તિએ મહેશભાઈને આવીને જાણ કરી હતી કે તમારા નાના ભાઈ અતુલભાઈનો બલોલનગર બ્રિજ ઉપર અકસ્માત થયો છે જેથી મહેશભાઈ તાત્કાલિક બ્રિજ ખાતે પહોંચ્યા હતા. બલોલનગર રેલવે ઓવરબ્રીજ ઉપર અતુલભાઈનું બાઈક પડેલું હતું અને તેમના ભાઈ બ્રિજની નીચે પડેલા હતા. તેઓએ ત્યાં જઈને જોતા તેમના માથાના ભાગે અને શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. અતુલભાઈ રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ તેમનું બાઈક લઈને ન્યુ રાણીપથી રાણીપ તરફ આવી રહ્યા હતા ત્યારે બલોલનગર બ્રિજ ઉપર બેલેન્સ ન રહેતા બાઈક ડિવાઇડર સાથે અથડાઈને તેઓ ઉછળીને બ્રિજ પરથી નીચે પડ્યા હતા અને માથાના ભાગે ઇજાઓ થતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
આ બનાવની એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ પણ રાત્રે સ્થળ ઉપર પહોંચી હતી. બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત મામલે મૃતક અતુલભાઇના ભાઈની ફરિયાદના આધારે બેદરકારી રીતે વાહન ચલાવી અને અકસ્માત સર્જી મોતને ભેટનાર અતુલભાઇ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાણીપ વિસ્તારમાં બનાવવામાં આવેલો બલોલનગર રેલવે ઓવરબ્રિજ હવે મોતનો ઓવરબ્રિજ બની ગયો છે. 7 મેના રોજ પણ એક બાઈક ચાલક બાઈક લઈને બલોલનગર રેલવે ઓવરબ્રિજ પરથી ન્યુ રાણીપથી રાણીપ તરફ આવી રહ્યો હતો ત્યારે વળાંક પાસે બાઈકનું બેલેન્સ ન રહેતા ડિવાઇડર સાથે અથડાયો હતો. બાઈક ડિવાઇડર સાથે અથડાતા બાઈક ચાલક બ્રિજ પરથી નીચે પડ્યો અને તેનું મૃત્યુ થયું હતું. 10 દિવસમાં જ આ જગ્યા પર બીજી ઘટના બની છે.


